યુધ્ધને કારણે ગેસ સહિતની સપ્લાય પ્રભાવીત થતાં લગ્ન ખર્ચ 10 થી 25 ટકા વધી ગયો

યુધ્ધને કારણે ગેસ સહિતની સપ્લાય પ્રભાવીત થતાં લગ્ન ખર્ચ 10 થી 25 ટકા વધી ગયો

મુંબઇ, તા.7
મધ્ય પૂર્વમાં અમેરિકા-ઇરાન વચ્ચે ભયાનક યુધ્ધ બાદ સીઝફાયર થઇ ગયું હોવા છતાં આખરી સમાધાન શક્ય બન્યું નહીં હોવાથી પેટ્રોલીયમ સહિતના મોરચે સંકટ-અનિશ્ચિતતાનો માહોલ યથાવત છે. જ્યારે યુધ્ધની અસર હેઠળ લગ્ન સમારોહના ખર્ચમાં 10 થી 25 ટકા જેવો ધરખમ વધારો થઇ ગયો છે. કેટરર્સ-ભોજન-ટ્રાન્સપોર્ટેશન સહિતના ભાવવધારાને કારણે પ્રસંગો મોંઘા બની ગયા છે. આંતરરાષ્ટ્રીય વિદેશોમાં અથવા ટેસ્ટીનેશન વેડિંગમાં તો વધુ માર પડી રહ્યો છે. ઘર આંગણે થતાં લગ્ન પ્રસંગોમાં 10 થી 15 ટકા તથા વિદેશમાં યોજાતા લગ્નોમાં 20 થી 25 ટકાનો વધારાનો બોજ છે. ઇવેન્ટ મેનેજરોના કહેવા પ્રમાણે યુધ્ધને કારણે ગેસ સંકટ તથા ડેકોરેશનથી માંડીને લગ્ન સમારોહમાં ઉપયોગમાં લેવાતી વિવિધ ચીજવસ્તુઓના ભાવ વધી ગયા છે અને તેને કારણે લગ્નપ્રસંગોનો કુલ ખર્ચ વધી ગયો છે. વિદેશો કે પ્રવાસન સ્થળોએ યોજવામાં આવતા ડેસ્ટીનેશન વેડિંગમાં ખર્ચ બોજ ઘણો વધી ગયો છે.
વિમાની ઇંધણ મોંઘુ થવાના કારણોસર એરફેર સરેરાશ 15 થી 20 ટકા મોંઘુ બન્યું છે. આ કારણોસર મહેમાનોની સંખ્યામાં કાપથી માંડીને પરિવારોને અનેકવિધ ઉજવણીમાં કાપ મુકવાનો વખત આવ્યો છે. આ સિવાય આયાતી ફુલો તથા પ્રીમીયમ ફૂડ આઇટમ ઉપરાંત ડેકોરેશનની ખાસ પ્રીમીયમ ચીજોની સપ્લાય પ્રભાવિત થવાની સાથોસાથ મોટો ભાવવધારો છે. શીપીંગ-કાર્ગો ખર્ચ વધવા ઉપરાંત ઉત્પાદક દેશોમાં ભાવવધારો છે. અનેક પ્રસંગોમાં યજમાનોએ આયાતી ચીજોનો મોહ પડતો મુકીને સ્વદેશી ડેકોરેશન ચીજો અપનાવતા થયો છે.