વડાપ્રધાન મોદીના નામે 9 જૂને નવો રેકોર્ડ બનશે

દેશના ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સૌથી વધુ સમય સુધી શાસન કરવાનો કિર્તીમાન સ્થાપિત થશે

વડાપ્રધાન મોદીના નામે 9 જૂને નવો રેકોર્ડ બનશે

(એજન્સી)     નવી દિલ્હી,તા.2:
કેન્દ્રમાં મોદી સરકારના સફળ શાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં આગામી 5 જૂનથી લઈને 21 જૂન સુધી વિશેષ જનસંપર્ક અને વિકાસ કાર્યોના પ્રદર્શન માટેના કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સુધી ચાલનારા આ 17 દિવસીય અભિયાનમાં કેન્દ્ર સરકાર પોતાની મોટી સિદ્ધિઓ અને જનહિતના કાર્યોને સામાન્ય જનતા સુધી પહોંચાડશે. પરંતુ, આ ભવ્ય કાર્યક્રમોની વચ્ચે એક એવી તારીખ આવી રહી છે, જે ભારતીય લોકશાહી અને રાજકારણના ઇતિહાસમાં એક નવો અધ્યાય જોડી દેશે. આ તારીખ છે 9 જૂન 2026.
વાસ્તવમાં, 9 જૂન 2026 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે એક એવો અજોડ રેકોર્ડ પોતાના નામે કરવા જઈ રહ્યા છે, જે અત્યાર સુધી દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના નામે નોંધાયેલો હતો. ઐતિહાસિક તથ્યો મુજબ, જવાહરલાલ નેહરુએ દેશની પ્રથમ સામાન્ય ચૂંટણી બાદ 14 મે 1592ના રોજ વડાપ્રધાન પદના શપથ લીધા હતા અને તેઓ 27 મે 1964 (અવસાન સુધી) સતત આ પદ પર રહ્યા હતા. આ રીતે, લોકતાંત્રિક ચૂંટણી દ્વારા ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે તેમનો સળંગ કાર્યકાળ 12 વર્ષ અને 14 દિવસનો રહ્યો હતો. વર્ષ 1947 થી 1952 સુધી જવાહરલાલ નેહરુ દેશના મનોનીત (Nominated) વડાપ્રધાન હતા, ચૂંટાયેલા નહીં. હવે 9 જૂન 2026ના રોજ જવાહરલાલ નેહરુના આ સૌથી લાંબા સમય સુધી સળંગ ચૂંટાયેલા પીએમ પદ પર રહેવાનો રેકોર્ડ તૂટી જશે અને પીએમ મોદી આ યાદીમાં ટોચ પર આવી જશે.