વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં રૂા. ૧.૫ કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર

લાઈટ અને પાણી શાખામાં ઉંચા દરે ખરીદી કરી ભાજપના કાર્યકરોને ફાયદો પહોંચાડયાનો કોંગ્રેસનો આક્ષેપ

વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં રૂા. ૧.૫ કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર

(રાકેશ પરડવા દ્વારા)
વેરાવળ તા.ર૦
સ્થાનીક સ્વરાજયની ચુંટણીની બ્યુગુલ ફૂંકાવવાની તૈયારી થઈ રહી છે. એવા સમયે ગીર સોમનાથ જીલ્લા કોંગ્રેસ પ્રમુખએ અચાનક પાલીકાના ભ્રષ્ટાચારને લઈ આક્ષેપો કરતા આગામી દિવસોમાં રાજકારણમાં ગરમાવો આવે તેવા એંધાણ વર્તાય રહ્યા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજા વંશએ યોજેલ પત્રકાર પરિષદમાં ભાજપ શાસિત વેરાવળ નગરપાલિકા પર ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા કહેલ કે, પાલિકાની લાઈટ શાખા અને પાણી પુરવઠા શાખામાં અંદાજે ૧.૫ કરોડ રૂપિયાની નાણાકીય ગેરરીતિ કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવેલ કે, આ સમગ્ર મામલો માહિતી અધિકાર હેઠળ મેળવેલ દસ્તાવેજોમાં સામે આવ્યો છે. તે મુજબ સ્ટાન્ડર્ડ કંપનીઓના બજારભાવ કરતાં બે થી ત્રણ ગણાં વધુ દરે માલ સામગ્રીની ખરીદી કરવામાં આવી છે જે સ્પષ્ટપણે નાણાકીય અનિયમિતતા દર્શાવે છે. શહેરના વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવેલા હાઇમાસ ટાવર અને સ્ટ્રીટ લાઈટમાં ગુણવત્તા બાબતે પણ ભેદભાવ જોવા મળ્યો છે. કેટલાક સ્થળોએ સ્ટાન્ડર્ડ કંપનીનું મટીરીયલ વપરાયું છે તો કેટલાક સ્થળોએ સામાન્ય અને ઓછા દરજ્જાનું મટીરીયલ ઉપયોગમાં લેવામાં આવ્યું છે. આ તકે ભાજપ પર નિશાન સાધતા કહેલ કે, પાલિકામાં ભાજપ સાથે સંકળાયેલા કાર્યકરો અને પદાધિકારીઓની એજન્સીઓને ફાયદો પહોંચાડવા માટે ટેન્ડર પ્રક્રિયામાં ગડબડ કરવામાં આવેલ અને વધારે દરે કામો સોંપી પ્રજાના પૈસાની ઉચાપતનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ સમગ્ર મામલે વિજીલન્સ તપાસ કરવાની માંગ કરી છે જેથી સત્ય બહાર આવી શકે અને જવાબદાર લોકો સામે કાયદેસર કાર્યવાહી થઈ શકે. તો બીજી તરફ આ મામલે પાલિકાના ચીફ ઓફિસર પારસ મકવાણાએ તમામ આક્ષેપોને નકારી કાઢી જણાવેલ કે પાલિકા દ્વારા તમામ કામો નિયમોનુસર ટેન્ડર પ્રક્રિયા મુજબ કરવામાં આવે છે અને જે એજન્સી સૌથી ઓછા દરે કામ આપવા તૈયાર હોય તેને જ કારોબારી સમિતિની મંજૂરી બાદ કામ આપવામાં આવે છે. તેમ છતાં કોઈ ગેરરીતિ સામે આવશે તો સંબંધિત જવાબદારો સામે કાર્યવાહી કરવાની ખાતરી પણ તેમણે આપી છે.