વિશ્વ કિડની દિવસ નિમિત્તે કિડની સ્વાસ્થ્ય અંગે જનજાગૃતિ માટે બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ દ્વારા સાયકલ રેલી યોજાઈ
રાજકોટ તા. ૧૩
વિશ્વ કિડની દિવસ નિમિત્તે બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ અને સૌરાષ્ટ્ર કિડની કેર ફાઉન્ડેશન દ્વારા કિડનીના રોગો અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા તા. ૧૨ માર્ચ ૨૦૨૬ના રોજ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં હોસ્પિટલના ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ તેમજ નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જાેડાઈ કિડની સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો. સાયકલ રેલી બી.ટી. સવાણી કિડની હોસ્પિટલથી શરૂ થઈ રેસકોર્ષના રસ્તેથી ફરી બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ ખાતે સમાપ્ત થઈ હતી. આ પ્રસંગે સંસ્થાના પ્રિવેન્ટિવ વિભાગ દ્વારા લોકો માટે વિનામૂલ્યે લોહીની તપાસ કરવામાં આવી તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ વર્ષે વર્લ્ડ કિડની ડેની થીમ “Kidney Health for All – Caring for People, PrOecting the Plan” એટલે કે “બધા માટે કિડની સ્વાસ્થ્ય – લોકોની સંભાળ રાખવી અને પૃથ્વીનું રક્ષણ કરવું” રાખવામાં આવી છે.
એક અંદાજ મુજબ ભારતમાં લગભગ ૧૩ થી ૧૭ ટકા લોકોને કિડની સંબંધિત કોઈને કોઈ પ્રકારની બીમારી હોય છે, જ્યારે દર વર્ષે આશરે બે લાખ ચાલીસ હજાર નવા દર્દીઓને ડાયાલિસિસની જરૂરિયાત ઉભી થાય છે. વહેલું નિદાન, યોગ્ય સારવાર અને જરૂરી સાવચેતી દ્વારા કિડનીને થતું ગંભીર નુકસાન ઘણી હદ સુધી અટકાવી શકાય છે. ભારતમાં કિડનીના રોગો વધવાના મુખ્ય કારણોમાં ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર અને બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી મુખ્ય છે. સમયસર નિદાન અને નિયમિત સારવાર દ્વારા આ રોગોથી કિડનીને થતું નુકસાન અટકાવી શકાય છે.
આ અવસરે લોકોને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવા, નિયમિત વ્યાયામ કરવા, આરોગ્યપ્રદ આહાર અપનાવવા, તમાકુ જેવા વ્યસનોથી દૂર રહેવા તેમજ દર વર્ષે નિયમિત મેડિકલ ચેકઅપ કરાવી કુદરતે આપેલી અમૂલ્ય ભેટ – કિડની –ને સાચવી નિરોગી જીવન જીવવાની અપીલ કરવામાં આવી છે. આ સાયકલ રેલીને સફળ બનાવવા માટે અવર રાજકોટ, રાજકોટ રાયડર્સ, વર્કઆઉટ વોરીયર્સ, રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર, રાજકોટ સાયકલ ક્લબ, મારવાડી યુનીવર્સીટી અને રાજકોટ ફાર્માસિસ્ટ એસોસિએશનનો સહયોગ મળેલ છે.


