શ્રદ્ધા કપૂરનો વિઠાબાઈ અવતાર ચર્ચામાં, 'ઈઠા'ના ટ્રેલરમાં લાવણીના તાલે જોવા મળ્યો દમદાર અંદાજ

મહાન લાવણી અને તમાશા કલાકાર વિઠાબાઈ નારાયણગાવકરના જીવન પર આધારિત ફિલ્મ 4 ડિસેમ્બરે થશે રિલીઝ

શ્રદ્ધા કપૂરનો વિઠાબાઈ અવતાર ચર્ચામાં, 'ઈઠા'ના ટ્રેલરમાં લાવણીના તાલે જોવા મળ્યો દમદાર અંદાજ

મુંબઈ, તા.31
બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરની આગામી ફિલ્મ 'ઈઠા' અત્યારે ચર્ચાનું કેન્દ્ર બની છે. લાંબા સમય બાદ આ ફિલ્મ દ્વારા શ્રદ્ધા મોટા પડદા પર વાપસી કરી રહી છે. ફિલ્મના મેકર્સે તેનું ઓફિશિયલ ટ્રેલર રિલીઝ કર્યું છે, જેમાં શ્રદ્ધા કપૂરનો અત્યાર સુધીનો અલગ અને દમદાર અવતાર જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં તેની સાથે અભિનેતા રણદીપ હુડ્ડા પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. મેડોક ફિલ્મ્સના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મનું નિર્દેશન લક્ષ્મણ ઉતેકરે કર્યું છે, જ્યારે દિનેશ વિજન તેના નિર્માતા છે. ફિલ્મ આગામી 4 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
ફિલ્મના ટ્રેલરની શરૂઆત દમદાર સંવાદો અને વાર્તાની ભાવનાત્મક ઝલક સાથે થાય છે. તેમાં મુખ્ય પાત્રનો સંઘર્ષ, જુસ્સો અને લોકકળા સાથે જોડાયેલી દુનિયાને સુંદર રીતે રજૂ કરવામાં આવી છે. ટ્રેલરમાં મરાઠી સંસ્કૃતિ અને પરંપરાગત નવવારી સાડીને પણ વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. નવવારી સાડી માત્ર પહેરવેશ નહીં, પરંતુ મરાઠી સંસ્કૃતિના ગૌરવ અને સન્માનનું પ્રતીક હોવાનો સંદેશ ફિલ્મમાં જોવા મળે છે.
ટ્રેલરની શરૂઆતમાં શ્રદ્ધાના પાત્રનો ભાવનાત્મક સમય દર્શાવવામાં આવ્યો છે. એક સંવાદમાં તે કહે છે, “તેં જ કહ્યું હતું જોઈએ શું તૂટે છે? મારો ભરોસો કે મારો ઘમંડ. મારો ભરોસો જ મારો ઘમંડ હતો, જ્યારે એ તૂટી ગયો ને ત્યારે બધું જ તૂટી ગયું.” ત્યારબાદ પાત્રની સફળતા, તેને મળેલા એવોર્ડ્સ અને સંઘર્ષમાંથી બહાર આવવાની સફરની ઝલક જોવા મળે છે. એક નાની બાળકી કેવી રીતે પોતાની મહેનત અને પ્રતિભાના જોરે સફળતાના શિખર સુધી પહોંચે છે, તેની વાર્તા ફિલ્મમાં રજૂ કરવામાં આવી છે.
ટ્રેલરના અંતિમ ભાગમાં નવવારી સાડીને લઈને એક પ્રભાવશાળી સંવાદ પણ છે. તેમાં એક વ્યક્તિ પૂછે છે કે કઈ સદીના કપડાં પહેરીને આ મહિલા આવી છે? તેના જવાબમાં કહેવામાં આવે છે કે આ નવવારી સાડી છે અને તે માત્ર કપડું નથી, પરંતુ મરાઠી સંસ્કૃતિનું અભિમાન અને મરાઠી માતાની ઓળખ છે.
ફિલ્મ 'ઈઠા'માં શ્રદ્ધા કપૂર મહાન લાવણી અને તમાશા કલાકાર વિઠાબાઈ નારાયણગાવકરનું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મ તેમના જીવન, સંઘર્ષ અને લોકકળા પ્રત્યેના સમર્પણ પર આધારિત બાયોગ્રાફિકલ ડ્રામા છે. વિઠાબાઈને મહારાષ્ટ્રની લોકકળા અને તમાશાની દુનિયામાં 'તમાશા સમ્રાજ્ઞી' તરીકે ઓળખવામાં આવે છે. ટ્રેલર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાના અભિનય અને તેના નવા અવતારની પ્રશંસા થઈ રહી છે. કેટલાક ચાહકોએ તેને શ્રદ્ધાનું શાનદાર કમબેક ગણાવ્યું છે, જ્યારે અન્ય લોકોએ ફિલ્મને લઈને ઉત્સુકતા વ્યક્ત કરી છે.