10 દિવસમાં ત્રીજી વાર ભાવ વધારાનો ડામ
પેટ્રોલમાં 87 પૈસા, ડીઝલમાં 91 પૈસા, સીએનજીમાં રૂા.1નો વધારો ઝીંકાયો
નવી દિલ્હી તા.23:
પશ્ચિમ એશિયામાં કટોકટી વચ્ચે ભારતમાં મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવમાં સતત વધારાથી સામાન્ય માણસની ચિંતા વધી ગઈ છે. આજે સવારે તેલ કંપનીઓએ ફરી એકવાર પેટ્રોલના ભાવમાં 87 પૈસા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં 91 પૈસા પ્રતિ લિટરનો વધારો કર્યો છે. સીએનજીના ભાવમાં પણ વધુ એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા 10 દિવસમાં ઇંધણના ભાવમાં આ ત્રીજો વધારો છે, જેના કારણે પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવમાં કુલ 4 થી 5 રૂપિયાનો વધારો થયો છે.
મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય તણાવની સીધી અસર હવે ભારતના સામાન્ય નાગરિકોના ખિસ્સા પર પડી રહી છે. દેશમાં પેટ્રોલ-ડીઝલની કિમતોમાં સતત વધારો થઈ રહ્યો છે.
નવા વધારા બાદ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂા.99.51 થયો છે, જ્યારે ડીઝલ રૂા.92.49 માં વેચાઈ રહ્યું છે. ગઈકાલે રૂા.80.09 પ્રતિ કિલોગ્રામમાં મળતો CNG હવે રૂા.81.09 થયો છે. મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈ સહિત અનેક મોટા શહેરોમાં ઇંધણના ભાવ પણ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે.
છેલ્લા 10 દિવસમાં આ ત્રીજો ભાવ વધારો છે. 16 મેના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂા.૩નો વધારો કરવામાં આવ્યો હતો. જયારે CNGના ભાવમાં પણ પ્રતિ કિલોગ્રામ રૂા.2નો વધારો કરવામાં આવ્યો હતો. 17 મેના રોજ, CNGના ભાવમાં વધારાનો રૂા.1નો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 19 મેના રોજ આશરે 90 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.


