ડબલ રોલથી શનાયા કપૂર સામે નવો પડકાર

‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ ફ્રેન્ચાઇઝીની સફળતાનો ભાર લીધા વિના નવી વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કર્યું; ‘આફ્ટર ડાર્ક’માં બે અલગ પાત્રો ભજવશે

ડબલ રોલથી શનાયા કપૂર સામે નવો પડકાર

મુંબઈ તા.18
કરણ જોહરની લોકપ્રિય ફિલ્મ ફ્રેન્ચાઇઝી ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ની નવી સિરીઝ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર: આફ્ટર ડાર્ક’માં મુખ્ય ભૂમિકા ભજવી રહેલી અભિનેત્રી શનાયા કપૂર માટે આ પ્રોજેક્ટ અનેક રીતે પડકારજનક રહ્યો છે. આ સિરીઝમાં શનાયા ડબલ રોલમાં જોવા મળશે. શનાયાએ જણાવ્યું હતું કે આ લોકપ્રિય ફ્રેન્ચાઇઝીની સફળતાને આગળ વધારવાની જવાબદારી મોટી છે, પરંતુ તેણે આ જવાબદારીનું દબાણ પોતાના પર હાવી થવા દેવાને બદલે નવી વાર્તા અને પોતાના પાત્રો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
કરણ જોહરની આ ફ્રેન્ચાઇઝીએ અગાઉ આલિયા ભટ્ટ, વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રા જેવા કલાકારોને ઓળખ અપાવી હતી. આ વારસાનો ભાગ બનવા અંગે શનાયાએ જણાવ્યું હતું કે ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’નું નામ સાંભળતાં જ તેને સમજાયું હતું કે એક મહત્ત્વપૂર્ણ ફ્રેન્ચાઇઝીને આગળ લઈ જવાની જવાબદારી તેના ખભા પર છે. આ કરણ જોહરની ખાસ ફ્રેન્ચાઇઝી છે અને તેમાંથી આલિયા, વરુણ તથા સિદ્ધાર્થ જેવા કલાકારોને નવી ઓળખ મળી છે. શનાયાએ કહ્યું હતું કે તે મોટી થઈ ત્યારે આ કલાકારોને પડદા પર જોતી હતી અને આજે પણ કલાકાર, મિત્ર તથા માર્ગદર્શક તરીકે તેમની પાસેથી ઘણું શીખે છે. તેથી આ શો દ્વારા ફ્રેન્ચાઇઝીના વારસાને આગળ વધારવો તેના માટે મહત્ત્વની બાબત છે.
જોકે, આ જવાબદારીનું દબાણ ઓછું રાખવા માટે શનાયાએ સ્ક્રિપ્ટને એક નવા પ્રોજેક્ટ તરીકે જોવાનો નિર્ણય કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે સ્ક્રિપ્ટ વાંચતી વખતે તેણે ફ્રેન્ચાઇઝીની જૂની સફળતાનો ભાર મન પર રાખ્યો નહોતો. તેના બદલે રીમાએ આપેલી એક નવી સ્ક્રિપ્ટ તરીકે તેને સમજીને પોતાના પાત્રની તૈયારી અને તેમાં પોતાની અલગ ઓળખ કેવી રીતે ઊભી કરવી તેના પર ધ્યાન આપ્યું હતું. શનાયાના જણાવ્યા અનુસાર, સમગ્ર ટીમે પણ જૂની ઓળખથી અલગ રહીને વર્ષ 2026 માટે કંઈક નવું અને અલગ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. સિરીઝનો ડાર્ક ટોન અને વાર્તામાં આવતો નવો વળાંક તેના માટે આ પ્રોજેક્ટને વધુ રસપ્રદ બનાવે છે.
કારકિર્દીની શરૂઆતમાં જ ડબલ રોલ ભજવવો શનાયા માટે બીજો મોટો પડકાર રહ્યો છે. તેણે સ્વીકાર્યું હતું કે તેની અભિનયની સફર હજી શરૂઆતના તબક્કામાં છે અને તે સતત શીખી રહી છે. બંને પાત્રોને અલગ રીતે રજૂ કરવા માટે દિગ્દર્શક રીમાએ તેને માર્ગદર્શન આપ્યું હતું. કેટલીકવાર એક જ દિવસમાં બંને પાત્રોનું શૂટિંગ કરવાનું હોવાથી કામ પડકારજનક બનતું હતું. આ માટે બંને પાત્રોના દેખાવ, સ્વભાવ, શારીરિક હાવભાવ, બોડી લેંગ્વેજ, બોલવાની રીત અને અવાજમાં તફાવત લાવવા માટે ખાસ તૈયારી કરવામાં આવી હતી. શનાયાના જણાવ્યા મુજબ, રિહર્સલ દરમિયાન જ બંને પાત્રોને અલગ ઓળખ આપવાની પ્રક્રિયા સારી રીતે ગોઠવાઈ ગઈ હતી. હવે દર્શકોને ‘સ્ટુડન્ટ ઓફ ધ યર: આફ્ટર ડાર્ક’માં શનાયાનો આ નવો અંદાજ અને ડબલ રોલ કેટલો પસંદ આવે છે તે જોવું રસપ્રદ રહેશે.