પશ્ચિમ બંગાળમાં સતત ચોથી વાર મમતા બેનર્જી વિજેતા થશે
(એજન્સી) નવી દિલ્હી તા.૧૬
પાંચ રાજયોની ધારાસભા ચૂંટણીઓ જાહેર થતા જ પહેલો ઓપીનીયન પોલ આવી ગયો છે અને તેમાં અનેક રસપ્રદ તારણો બહાર આવ્યા છે. સૌથી મહત્વનું માર્ટીઝ-આઈએએનએસ દ્વારા જાહેર કરવામાં આવેલા આ પોલમાં ભાજપને માટે પશ્ચિમ બંગાળ હજુ પણ દુર જ રહી જાય તેવા સંકેત છે.
જયારે તામિલનાડુમાં તેને આશ્ચર્યજનક રીતે સફળતા મળશે તેવું જણાવાયું છે.ચુંટણીપંચે જયારે સમગ્ર શેડયુલ જાહેર કરી દીધુ છે તે સમયે આવેલા ઓપીનીયન પોલ અત્યંત રસપ્રદ સંકેત આપે છે. પશ્ચિમ બંગાળની ૨૯૪ વિધાનસભા બેઠકમાં મુખ્ય જંગ તૃણમુલ કોંગ્રેસ અને ભાજપનો છે.
તેમાં મળતા સંકેતો મુજબ તૃણમુલ કોંગ્રેસની બેઠકો ઘટશે. પરંતુ તે પોતાની સતા જાળવી રાખશે. મમતા બેનરજીના પક્ષને ૪૩ થી ૪૫ ટકા મત શેર સાથે ૧૫૫ થી ૧૭૦ બેઠકો મળશે તેવો અંદાજ આ ઓપીનીયન પોલમાં અપાયો છે.
જયારે ભાજપને ૪૧થી ૪૩ ટકા મત સાથે ૧૦૦ થી ૧૧૫ બેઠક મળશે. આમ મમતા બેનરજી સતત ચોથી વખત સતા જાળવી રાખશે. આ રાજયમાં અસદુદીન ઔવેસીના પક્ષ એઆઈએમઆઈએમને પાંચ થી ૬ બેઠકો મળે તેવા સંકેત છે. આમ બિહાર બાદ વધુ એક રાજયમાં ઔવેસીનો ગ્રાફ ઉંચો જશે.


