આસામ, કેરળ, પુડુચેરી વિધાનસભાની ર૯૬ બેઠકો પર યોજાઈ રહેલું મતદાન

આસામ વિધાનસભાની ૧ર૬, કેરળની ૧૪૦ અને પુડુચેરીની ૩૦ વિધાનસભા બેઠકો પર પ્રારંભીક કલાકોમાં ૩પ ટકાથી વધુ મતદાન

આસામ, કેરળ, પુડુચેરી વિધાનસભાની ર૯૬ બેઠકો પર યોજાઈ રહેલું મતદાન

(એજન્સી)     નવી દિલ્હી, તા.૯:
આજે ત્રણ રાજ્યો આસામ, કેરળ અને પુડુચેરીમાં એક જ તબક્કામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. ત્રણ રાજયોની કુલ ૨૯૬ વિધાનસભા બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. સવારે ૧૧ વાગ્યા સુધીમાં, આસામમાં ૩૮.૯ ટકા, કેરળમાં ૩૩.૩ ટકા અને પુડુચેરીમાં ૩૭.૧ ટકા મતદાન થયું હતું.
દેશના ત્રણ મહત્વના પ્રદેશો - આસામ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી માટે એક જ તબક્કામાં મતદાન યોજાઈ રહ્યું છે. સવારે ૭ વાગ્યાથી મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી રહી છે, જે સાંજે ૬ વાગ્યા સુધી અવિરત ચાલુ રહેશે. આસામની ૧૨૬ બેઠકો, કેરળની ૧૪૦ અને પુડુચેરીની ૩૦ બેઠકો પર યોજાઈ રહેલી આ ચૂંટણીમાં દિગ્ગજ નેતાઓના ભાવિ ઈવીએમ મશીનોમાં કેદ થશે. તે સાથે જ કર્ણાટક, નાગાલેન્ડ અને ત્રિપુરામાં પણ પેટાચૂંટણીઓ યોજાઈ રહી છે, જોકે ગોવાની બેઠક પર હાઈકોર્ટના આદેશ બાદ મતદાન સ્થગિત રખાયું છે. ચૂંટણી પંચે આ વખતે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને મતદાનને વધુ રસપ્રદ બનાવ્યું છે, જેમાં પુડુચેરીમાં નીલા નામના રોબોટ દ્વારા મતદારોનું સ્વાગત કરવામાં આવતા ભારે આકર્ષણ જગાવ્યું છે.
આસામમાં શાસક ભાજપ ગઠબંધન અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા સહિત અનેક દિગ્ગજો મેદાનમાં છે. આસામમાં ૩૧,૯૪૦ થી વધુ મતદાન મથકો પર સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત હેઠળ મતદાન થઈ રહ્યું છે, જ્યાં ૧.૫ લાખથી વધુ સુરક્ષા કર્મીઓ તૈનાત છે. બીજી તરફ, કેરળમાં પરંપરાગત હરીફો LDF અને UDFની સાથે ભાજપ પણ પોતાની મજબૂત હાજરી નોંધાવવા મથી રહ્યું છે. કેરળના ૨.૭ કરોડ મતદારો આજે ૮૮૩ ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે.