કલ્યાણપુરના કેનેડી ગામેથી અનધિકૃત રીતે થતું બોકસાઈટનું વહન ઝડપાયું
(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.14
દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબીની ટીમ દ્વારા અગાઉ બોકસાઈટ ચોરી માટે કુખ્યાત બની ગયેલા કલ્યાણપુર પંથકમાંથી ગેરકાયદેસર રીતે થતું બોકસાઈટનું વહન પકડી પડાયું હતું. આ સમગ્ર પ્રકરણ અંગે એલસીબી સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એલસીબીની ટીમ દ્વારા ગેરકાયદેસર રીતે થતી બોકસાઈટની ચોરી સંદર્ભે ગઈકાલે બુધવારે હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં એલસીબી વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી તેમજ તેમની ટીમ દ્વારા ખનીજ સંદર્ભે એલસીબીના એ.એસ.આઈ. અરજણભાઈ મારુ, ડાડુભાઈ જોગલ તથા ખીમાભાઈ કરમુરને મળેલી ચોક્કસ બાતમીના આધારે કલ્યાણપુર તાબેના કેનેડી ગામની સીમમાં આવેલા ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીઝ ખાતેથી બિનઅધિકૃત રીતે GJ 37 T 7525 નંબરના ટ્રકમાં બોકસાઈટનો જથ્થો ભરી અને લક્ષ્મી મિનરલમાં ગેરકાયદેસર રીતે પરિવહન કરતા હોય, જેથી આ ટ્રકના ચાલક ભીખુભાઈ કરસનભાઈ જાડેજા (રહે. કેનેડી)ને તેમના ઉપરોક્ત ટ્રક સાથે હનુમાનગઢ ગામ પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખાણખનીજ કચેરીના ભૂસ્તર શાસ્ત્રીને આ અંગે અહેવાલો પાઠવી, એલસીબી તથા ખાણ ખનીજ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં કેનેડી ગામે આવેલી ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીઝમાંથી અગાઉ ત્રણ ટ્રક ગેરકાયદેસર રીતે બોકસાઈટ ભરીને હનુમાનગઢ ખાતે આવેલી લક્ષ્મી મિનરલ્સમાં પહોંચાડ્યા હોવાનું ખુલવા પામ્યું હતું. જેથી લક્ષ્મી મિનરલ્સ ખાતે સંગ્રહ કરવામાં આવેલો આશરે 105 ટન જેટલો ગેરકાયદેસર બોકસાઈટનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 36 ટન ખનીજ કરેલા ઉપરોક્ત 7525 નંબરના ટ્રકને પણ કબજે લઈ, ધોરણસરની તપાસ તેમજ તજવીજ માટે ખાણ ખનીજ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.


