ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખનો પુત્ર નકલી પાસપોર્ટ સાથે ઝડપાયો : એટીએસે ધરપકડ કરી
અમદાવાદ તા.૧૬
ગુજરાત મહિલા પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ગીતાબેન પટેલનો દીકરો હરિકેશ પટેલ નકલી પાસપોર્ટના કેસમાં ઝડપાયો છે. આરોપીનો પાસપોર્ટ EDના કેસમાં જમા હોવા છતા આરોપીએ અન્ય રાજ્યમાંથી નકલી પાસપોર્ટ બનાવ્યો હતો. નકલી પાસપોર્ટના આધારે આરોપી અલગ-અલગ દેશભરમાં ફરવા પણ ગયો હતો. ગુજરાત ATSએ આરોપી હરિકેશ પટેલની ધરપકડ કરી છે.
ગુજરાત ATSને બાતમી મળી હતી કે, હરિકેશ પ્રણવ પટેલ (રહે. ઊમિર્ બંગલો, મીરાપાર્ક સોસાયટી શાહીબાગ અમદાવાદ)એ નકલી પાસપોર્ટ બનાવ્યો છે, જેથી ATSએ સાયન્સ સિટી પાસેથી હરિકેશ પટેલની ધરકકડ કરી હતી. આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપી ૨૦૨૩ના EDના મની લોન્ડ્રીંગ કેસમાં સંડોવાયેલો હતો, જેથી આરોપીનો પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવામાં આવ્યો હતો. આ દરમિયાન આરોપીને આગોતરા જામીન માટે અરજી કરતા જામીન મળી ગયા હતા, પરંતુ બાદમાં EDએ જામીન રદ કરાવ્યા હતા. આ દરમિયાન આરોપીએ ગુજરાતનો પાસપોર્ટ હોવા છતાં નકલી પાસપોર્ટ બનાવ્યો હતો.
આરોપીએ દુબઈના મિત્ર દ્વારા દિલ્હીના એજન્ટનો સંપર્ક કર્યો હતો. હરિકેશ પટેલે ૨૫ લાખ એજન્ટને આપીને આગ્રામાં ભાડે રહેતો હોવાનો એગ્રીમેન્ટ કર્યો હતો. જે બાદ દિલ્હી ક્રાઈમ બ્રાન્ચમાં જૂનો પાસપોર્ટ ખોવાઈ ગયો હોવાની ખોટી ફરિયાદ કરી હતી, જે ફરિયાદ અને ખોટા રેંટ એગ્રીમેન્ટના આધારે ગાઝિયાબાદ RPO કચેરીમાં નવા પાસપોર્ટની અરજી કરીને ૨૦૨૪માં બીજો પાસપોર્ટ મેળવ્યો હતો. ભૂતાન અને નેપાળથી આરોપી બેંગકોક, દુબઇ, સિંગાપોર, સહિતના દેશમાં ફરવા જતો હતો. આરોપી લાંબા સમય સુધી દુબઈમાં પણ રોકાયો હતો. આરોપી ફરીથી નાણાકીય ફ્રોડ કરવાની ફિરાકમાં જ હતો તે અગાઉ ATSએ આરોપીની ધરપકડ કરી છે. આ અંગે ATS દ્વારા EDને પણ જાણ કરવામાં આવી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, હરિકેશ પટેલ વિરુદ્ધ અગાઉ નારણપુરા અને ક્રાઈમ બ્રાન્ચના છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ ચૂકી છે, જેમાં ધરપકડ પણ કરવામાં આવી હતી. આરોપીનું શાહીબાગ અને સાયન્સ સિટીમાં મકાન આવેલું છે. આરોપીના નામે ઘણી કંપનીઓ રજીસ્ટર્ડ છે, જેમાંથી કેટલીક ખોટી કંપનીઓ પણ રજીસ્ટર્ડ છે જેના નામે ફ્રોડ કરવામાં આવતું હતું. આરોપીના મ્યુલ એકાઉન્ટ પણ હતા જેની તપાસ ચાલી રહી છે.


