ગિરનાર જંગલ વિસ્તારમાં ચંદનનાં લાકડાની ચોરી ઝડપાઈ

૬૦ કિલો લાકડા સાથે એક રાજસ્થાની શખ્સ ઝડપાયો, ચાર શખ્સો વનવિભાગને ચકમો આપી ફરાર

ગિરનાર જંગલ વિસ્તારમાં ચંદનનાં લાકડાની ચોરી ઝડપાઈ

જૂનાગઢ તા. ૭
જૂનાગઢના ગિરનાર જંગલ વિસ્તારમાં ચંદનની ગેરકાયદેસર ચોરી કરતી પરપ્રાંતીય (રાજસ્થાની) ગેંગનો વન વિભાગે પર્દાફાશ કર્યો છે. વન વિભાગે સઘન વોચ ગોઠવીને એક રાજસ્થાની ઈસમને ઝડપી પાડ્યો છે અને તેની પાસેથી મળેલ માહિતીના આધારે,૬૦ કિલોથી વધુ ચંદનના લાકડાંનો જથ્થો પણ કબજે કર્યો છે. આ લાકડાંની અંદાજિત કિંમત ૧ લાખ રૂપિયા જેટલી આંકવામાં આવી છે.
વન વિભાગના અધિકારી DCF અક્ષય જાેશીના માર્ગદર્શન હેઠળ, ખોડિયાર રાઉન્ડના દાતાર સિડી વિસ્તારમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી ચોરીની બાતમીના આધારે સતત વોચ રાખવામાં આવી હતી. ગઈકાલે ૫/૧૦/૨૦૨૫ મોડી સાંજે ચંદનના ઝાડ કાપવાના ઇરાદે આવેલા ઈસમોને વન વિભાગના સ્ટાફે જાેયા અને તરત જ તેમનો પીછો શરૂ કર્યો હતો. ભવનાથ પાંચ નાકા પાસેથી વન વિભાગે વિરમારામ મોતીરામ કલાવા (રહે. ઉદયપુર, રાજસ્થાન) નામના ઈસમને રંગેહાથ ઝડપી પાડ્યો, જાેકે તેનો એક સાથીદાર ભાગી છૂટ્યો હતો.જંગલની તપાસ કરતા કુલ ચાર ચંદનનાં વૃક્ષો કપાયેલાં હોવાનું જણાયું છે. ચાર શખ્સો બસમાં ફરાર થતા બસનો ફિલ્મી ઢબે પીછો કરાયો હતો. પકડાયેલા આરોપીએ કબૂલ્યું કે તેઓ કુલ પાંચ ઈસમો હતા અને બાકીના ચાર ઈસમો ચંદનનો જથ્થો લઈને મજેવડી ખાતેથી ઉદયપુર જતી ખાનગી ટ્રાવેલ્સ બસ મારફતે ફરાર થવાના હતા.વન વિભાગને જાણ થતાં જ બસ રવાના થઈ ચૂકી હતી, તેથી તાત્કાલિક બસના ડ્રાઇવર સાથે વાત કરીને જેતપુર આગળ બસને રોકાવવામાં આવી હતી. બસની તપાસ દરમ્યાન ૬૦ કિલોથી ૭૦ કિલો જેટલો ચંદનના લાકડાનો જથ્થો મળી આવ્યો હતો, પરંતુ લાકડાં લઈને મુસાફરી કરી રહેલા ચાર રાજસ્થાની આરોપીઓ વન વિભાગની ટીમને ચકમો આપીને ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. દરમ્યાન આરોપી વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ અને ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.  વન વિભાગે ફરાર આરોપીઓને પકડવા માટે જેતપુર, ગોંડલ અને રાજકોટ ખાતે વાહન ચેકિંગ શરૂ કર્યું છે. ચાર રાજસ્થાની આરોપીઓને ઝડપી પાડવા માટે વન વિભાગની અલગ-અલગ ચાર ટીમો દ્વારા દાતારના જંગલમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.