દિલ્હી હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો ટેલિગ્રામ પર તા.22 જુન સુધીનો કામચલાઉ પ્રતિબંધ યથાવત

દિલ્હી હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો ટેલિગ્રામ પર તા.22 જુન સુધીનો કામચલાઉ પ્રતિબંધ યથાવત

(એજન્સી)   નવી દિલ્હી તા.19 :
દેશમાં શૈક્ષણિક ક્ષેત્રે ભારે વિવાદ સર્જનાર નીટ-યુજી (NEET-UG) પરીક્ષાના કૌભાંડ વચ્ચે દિલ્હી હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ ટેલિગ્રામ પર 22 જૂન સુધી કામચલાઉ પ્રતિબંધ મૂકવાના કેન્દ્ર સરકારના ર્નિણયને યોગ્ય ઠેરવીને તેને યથાવત રાખ્યો છે. નીટ-યુજીની પુન:પરીક્ષાઓ (રી-એક્ઝામ) યોજાય તે પહેલાં જ સરકારે સુરક્ષાના ભાગરૂપે આ આકરું પગલું ભર્યું હતું, જેને પડકારતી ટેલિગ્રામની પિટિશન હાઈકોર્ટે સંપૂર્ણપણે ફગાવી દીધી છે. જસ્ટિસ તેજસ કારિયાએ આજે સવારે આ ચુકાદો સંભળાવતા સ્પષ્ટ કર્યું હતું કે, કેન્દ્ર સરકાર પાસે માહિતી ટેકનોલોજી (IT) એક્ટની કલમ ૬૯એ હેઠળ ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂકવાની સંપૂર્ણ સત્તાઓ છે. કોર્ટે અવલોકન કર્યું કે કટોકટીભરી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા લેવાયેલા પગલાં યોગ્ય અને પ્રમાણસર છે.