ભારત પર પ૦૦ ટકા ટેરિફ નહીં લાગે : અમેરીકા
વોશીંગ્ટન, તા.૨૧:
યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને રશિયન તેલ ખરીદનારા દેશો પર ૫૦૦% ટેરિફ લાદવા માટે સેનેટની મંજૂરીની જરૂર નથી. જોકે, તેમણે સ્પષ્ટતા કરી કે આ વખતે ટેરિફ ધમકીનું પ્રાથમિક લક્ષ્ય ભારત નહીં પણ ચીન છે.
સ્કોટ બેસન્ટે દાવો કર્યો હતો કે ટ્રમ્પ વહીવટીતંત્રે ભારત પર ૨૫ ટકા ટેરિફ લાદ્યા બાદ ભારતે રશિયન તેલ ખરીદવાનું બંધ કરી દીધું છે. તેમણે કહ્યું કે અમેરિકાની કડક વેપાર નીતિને કારણે ભારતે તેની આયાતમાં ફેરફાર કર્યો છે.
બેસન્ટ જે બિલનો ઉલ્લેખ કરી રહ્યા હતા તે રશિયા પ્રતિબંધ બિલ છે, જે યુએસને રશિયા પાસેથી તેલ ખરીદનારા દેશો પર ઓછામાં ઓછા ૫૦૦% ટેરિફ લાદવાની મંજૂરી આપે છે. આ બિલને આ મહિનાની શરૂઆતમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પની મંજૂરી મળી હતી.


