ભારત પર ૧૦૦ ટકા ટેરિફ ઝીંકવાની ટ્રમ્પને સત્તા મળી ગઈ
(એજન્સી) વોશિંગ્ટન તા.૧૭
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર ૧૦૦ ટકા સુધી ટેરિફ લગાવી શકે છે. અમેરિકી સંસદના નીચલા ગૃહ એટલે કે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે રશિયા પાસેથી તેલ ખરીદનારા દેશો પર કાર્યવાહી સંબંધિત બિલને પસાર કરી દીધું છે. બિલની તરફેણમાં ૨૬૨ અને વિરોધમાં ૧૫૯ મત પડ્યા.
હવે બિલ વ્હાઇટ હાઉસ જશે. અને ટ્રમ્પની સહી થતા જ તે કાયદો બની જશે. તેને સત્તાવાર રીતે લિન્ડસે ઓ ગ્રેહામ સેન્ક્શનિંગ રશિયા એન્ડ ઈરાન એક્ટ ઓફ ૨૦૨૬ નામ આપવામાં આવ્યું છે. બિલ રશિયા અને ઈરાન પર પ્રતિબંધ લગાવવા સાથે સંબંધિત છે.
ભારત રશિયા પાસેથી મોટી માત્રામાં ક્રૂડ ઓઇલ ખરીદે છે, ભારત તેના દાયરામાં આવે છે. જોકે, ભારત પર હજુ ૧૦૦% ટેરિફ લગાવવામાં આવ્યો નથી. બિલ કાયદો બન્યા પછી ટ્રમ્પ પાસે આવો ટેરિફ લગાવવાનો કાનૂની અધિકાર થઈ જશે.
મંગળવારે હાઉસે ૨૧૪-૨૧૧ મતથી બિલને અંતિમ વોટિંગ માટે આગળ વધાર્યું હતું. આ પહેલા અમેરિકી સેનેટે ઓગસ્ટમાં તેને ૮૬-૧૧ મતથી પસાર કરી દીધું છે.
આ કાયદો અમેરિકાને રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદવાનું ચાલુ રાખતા દેશો પર ૧૦૦ ટકા સુધી ટેરિફ લાદવાની મંજૂરી આપે છે. યુએસ હાઉસમાં ચર્ચામાં ખાસ કરીને ભારત અને ચીનને આ જોગવાઈથી પ્રભાવિત થવાની સંભાવના ધરાવતા મુખ્ય ખરીદદારો તરીકે ઓળખવામાં આવ્યા હતા.


