ભારત વિકાસ પરિષદ જૂનાગઢ શાખા દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા યોજાઈ
જૂનાગઢ, તા.ર૬
ભારત વિકાસ પરિષદ, જૂનાગઢ શાખા દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધાનું ભવ્ય આયોજન તા. ૨૩-૦૮-૨૦૨૬, રવિવારના રોજ બી.એ.પી.એસ. મંદિર ખાતે આવેલા પ્રમુખસ્વામી મહારાજ હોલમાં કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં જૂનાગઢ જિલ્લાની વિવિધ સરકારી તથા ખાનગી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
સ્પર્ધામાં ભાગ લેનાર તમામ શાળાઓના વિદ્યાર્થીઓએ દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમની ભાવનાથી ઓતપ્રોત થઈને સમૂહ ગાનની સુંદર રજૂઆતો કરી હતી. વિદ્યાર્થીઓના સુમધુર સ્વરો, તાલમેળ અને રાષ્ટ્રભાવનાથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. વિવિધ શાળાઓની પ્રસ્તુતિઓએ ઉપસ્થિત સૌનું મન મોહી લીધું હતું અને કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.
કાર્યક્રમના મુખ્ય મહેમાન ડો. બલરામ ચાવડા, આચાર્ય, સુભાષ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજએ પોતાના પ્રેરણાદાયી વક્તવ્યમાં રાષ્ટ્રપ્રેમનું મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કે આજના સમયમાં વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીયતાની ભાવના, દેશ પ્રત્યેની જવાબદારી અને રાષ્ટ્રનિર્માણના મૂલ્યોનું સંવર્ધન અત્યંત જરૂરી છે. તેમણે વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે દેશપ્રેમ, સંસ્કાર અને રાષ્ટ્રીય કર્તવ્યની ભાવના કેળવવા માટે પ્રેરણા આપી હતી. કાર્યક્રમના બીજા મહેમાન તરુણભાઈ કાટબામણાએ પોતાની આગવી શૈલીમાં વિદ્યાર્થીઓ સમક્ષ રાષ્ટ્રભક્તિ સાથે હાસ્યરસની સુંદર રજૂઆત કરી હતી. તેમના હળવા-ફૂલ અને રસપ્રદ સંવાદોથી વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET)માંથી પધારેલા ભરતભાઈ મેસિયા વિદ્યાર્થીઓના સર્વાંગી ઘડતરમાં વાલીઓ અને વિદ્યાર્થીઓની ભૂમિકા અંગે ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસ, સંસ્કાર અને ઉજ્જવળ ભવિષ્ય માટે પરિવાર તથા શિક્ષણ વચ્ચેના સુમેળનું મહત્વ સમજાવ્યું હતું. સ્પર્ધાના અંતે વિજેતા વિદ્યાર્થીઓને શીલ્ડ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ તથા શૈક્ષણિક કીટ આપી તેમનું પ્રોત્સાહન કરવામાં આવ્યું હતું. આ રીતે સ્પર્ધામાં વિજેતા બનવા ઉપરાંત દરેક સહભાગી વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરી તેમના આત્મવિશ્વાસમાં વધારો કરવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારત વિકાસ પરિષદ, જૂનાગઢ શાખાના તમામ કારોબારી સદસ્યો અને કાર્યકર્તાઓએ અથાગ મહેનત, આયોજનબદ્ધ કામગીરી અને ટીમભાવનાથી જહેમત ઉઠાવી હતી. તેમના સંયુક્ત પ્રયાસોથી રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.
રાષ્ટ્રપ્રેમ, સંસ્કાર અને સંગીતના સુમેળ દ્વારા નવી પેઢીમાં દેશભક્તિની ભાવના પ્રબળ બનાવવાનો ભારત વિકાસ પરિષદનો આ પ્રયાસ પ્રશંસનીય અને પ્રેરણાદાયી રહ્યો હતો. સંગીત જ્યારે રાષ્ટ્રપ્રેમ સાથે જાેડાય છે, ત્યારે માત્ર સ્વરો નથી ગુંજતા—પરંતુ સમગ્ર વાતાવરણમાં રાષ્ટ્રભાવના ગુંજી ઊઠે છે.


