ભવનાથ વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા ૩૭૦ સફાઈ કર્મચારીઓ કાર્યરત : ૮૦ ટન કચરાનો નિકાલ

ભવનાથ વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા ૩૭૦ સફાઈ કર્મચારીઓ કાર્યરત : ૮૦ ટન કચરાનો નિકાલ

જૂનાગઢ તા.૨૩
ગિરનાર લીલી પરિક્રમાના અનુસંધાને ભવનાથ વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સફાઈ, કચરા નિકાલ અને જાહેર શૌચાલયની સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. ભવનાથ વિસ્તારથી લઈને પરિક્રમા સાથે સંકળાયેલા ર્પાકિંગ સ્થળો સુધી રાઉન્ડ ધ ક્લોક સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરીમાં મહાનગરપાલિકાના ૨૦૦ સફાઈ કામદારો અને અન્ય ૧૭૦ કર્મચારીઓ મળી કુલ ૩૭૦ કર્મચારીઓ સતત સેવારત છે. પરિક્રમા દરમિયાન અત્યાર સુધીમાં અંદાજે ૮૦ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે.જૂનાગઢ મહાનગરપાલિકાના સેનિટેશન સુપરવાઇઝર શ્રી અજય નેનુજીએ જણાવ્યું હતું કે, ગિરનાર લીલી પરિક્રમાને ધ્યાને રાખીને તા. ૧૭ નવેમ્બરથી સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે, જે સતત ચાલુ રાખવામાં આવી રહી છે. કચરાના વ્યવસ્થિત સંગ્રહ અને નિકાલ માટે ૬ ડોર ટુ ડોર કલેક્શન વાહનો, ત્રણ ટ્રેક્ટર, એક જેસીબી, એક ડમ્પર ઉપરાંત એજન્સી દ્વારા વધારાનાં ત્રણ ટ્રેક્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાધનો મારફતે ભવનાથ વિસ્તાર તેમજ શહેરની બહારના ભાગે આવેલા વિવિધ ર્પાકિંગ સ્થળોએથી નિયમિત કચરો એકત્ર કરી તેનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.પરિક્રમાર્થીઓને સ્વચ્છતાની સુવિધા મળી રહે તે માટે ભવનાથ વિસ્તારમાં ઉપલબ્ધ સ્થાનિક જાહેર શૌચાલય અને પે એન્ડ યુઝ શૌચાલય ઉપરાંત ૧૧ મોબાઈલ ટોયલેટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ તમામ શૌચાલયની પણ ચોવીસ કલાક સફાઈ અને જાળવણી કરવામાં આવી રહી છે, જેથી ભાવિકોને કોઈ અસુવિધા ન પડે.પરિક્રમા દરમિયાન સ્વચ્છતા જળવાઈ રહે અને ભાવિકોને સ્વચ્છ વાતાવરણ મળી રહે તે માટે મહાનગર પાલિકાની સમગ્ર ટીમ સતત ખડેપગે રહી કામગીરી કરી રહી છે.