વેરાવળ સોમનાથમાં ૨૦ મિનિટમાં એક ઈંચ કમોસમી વરસાદ વરસી જતા ખેડૂતો બેહાલ અને લોકો આશ્ચર્ય મુગ્ધ થયા
વ્હેલી સવારે ગાજવીજ, મેઘગર્જના અને વિજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ તોફાની બેટીંગ કરી વરસાદ વરસાવ્યો
(રાકેશ પરડવા દ્વારા)
વેરાવળ, તા.૪
વેરાવળ સોમનાથ શહેર અને પંથકમાં અચાનક તુટી પડેલ કમોસમી વરસાદના પગલે વાતાવરણમાં અનેરી ઠંડક પ્રસરી જવાની સાથે પંથકના ખેડૂતો મુશ્કેલીમાં મુકી દીધા છે. વેરાવળ સોમનાથ શહેર પંથકના આકાશમાં મેઘગર્જના અને ગાજવીજ સાથે મેઘરાજાએ પધરામણી કરી હતી. શહેર પંથકમાં ૧૫ થી ૨૦ મિનિટ સુધી તોફાની પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસેલ હતો. ૨૦ મીનીટમાં એક ઈંચ જેટલો વરસાદે ખાબકી જતા રસ્તા અને શેરીઓમાં વરસાદી પાણી વહેતા જાેવા મળેલ તો ભર ગરમીના બફારા વચ્ચે અચાનક ખાબકેલ વરસાદે લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.
જ્યારે તાલુકાના સવની, ઇશ્વરીયા, મંડોર અને દેવળી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં લસણના તૈયાર પાકને ભારે નુકસાન પહોંચતાં ખેડૂતોમાં હતાશા અને નિરાશાનો માહોલ છવાઈ ગયો છે. વહેલી સવારે વરસેલ કમોસમી વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાઈ ગયું હતું. જેના કારણે લસણના પાથરા પલળી ગયેલ અને પાક બગડવાની ભીતિ ઊભી થઈ છે. પાંચ મહિનાથી મહેનત કરી તૈયાર કરેલો પાક હવે આંખ સામે બગડતો જાેઈ ખેડૂતોના દિલ ભરાઈ ગયા હતા. જેમાં ઘણા ખેડૂતો માટે આ પાક જ વર્ષભરની આવકનો મુખ્ય આધાર હતો. સવની ગામના ખેડૂત જયેશભાઇ ઝાલાના જણાવ્યા મુજબ લસણના એક વિઘા પાક પાછળ અંદાજે ૧૨ થી ૧૫ હજાર રૂપિયા સુધીનો ખર્ચ થાય છે. જેમાં બિયારણ, દવા અને મજૂરીનો સમાવેશ થાય છે. હાલની પરિસ્થિતિમાં પાક બગડવાથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થવાની શક્યતા છે. “મોઢે આવેલો કોળિયો છીનવાયો” જેવી સ્થિતિ સર્જાઈ છે, એમ ખેડૂતો વ્યથા વ્યક્ત કરી રહ્યા છે. “અમે મહિનાોથી મહેનત કરી પાક તૈયાર કર્યો હતો, પણ એક જ વરસાદે બધું બગાડી નાખ્યું. હવે સરકાર મદદ કરે તેવી અપેક્ષા છે.”
ખેતરોમાં સ્થળ પર જાેવા મળતી સ્થિતિ અનુસાર ખેતરોમાં પાણી ભરાઈ જવાથી લસણની ગુણવત્તા પર સીધી અસર પડી રહી છે. જાે આગામી દિવસોમાં વાતાવરણ સ્વચ્છ નહીં રહે તો નુકસાન વધુ ગંભીર બનવાની શક્યતા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. આ મુશ્કેલી વચ્ચે અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક સહાયની માંગ ઉઠી છે. ખેડૂતોની માંગ છે કે પાક નુકસાનીનું સર્વેક્ષણ કરી યોગ્ય વળતર આપવામાં આવે, જેથી આર્થિક સંકટમાંથી રાહત મળી શકે. તો અન્ય એક ખેડૂત સાજણભાઈ ગરચરે વ્યથા વ્યક્ત કરતાં કહ્યું “લસણના પાથરા પાણીમાં પલળી ગયા છે. હવે વેચાણ લાયક પાક બચશે કે નહીં તે પણ શંકા છે.” હાલ ખેડૂતો સરકાર તરફ આશાભરી નજરે જાેઈ રહ્યા છે. જાે તાત્કાલિક પગલાં નહીં લેવાય તો ગીર સોમનાથના ખેડૂતો માટે આ માવઠો આર્થિક સંકટમાં ફેરવાઈ શકે છે.


