સાળંગપુરધામમાં ગણપતિ મહોત્સવ નિમિત્તે ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રી ગણેશજીની થીમ પર વિશેષ શણગાર કરાયો
(પ્રતિનિધિ દ્વારા)
સાળંગપુર તા.૧૪
સાળંગપુરધામ સ્થિત સુપ્રસિદ્ધ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ શ્રી ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૧૪-૯-૨૦૨૬, સોમવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાનેશ્રી ગણેશજીની થીમ પર વિશેષ શણગાર કરાયો હતો. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજ લાલ રંગના સુંદર વસ્ત્રો,રંગબેરંગી ગુલાબ-સેવંતીના ફૂલોનો શણગાર કરાયો હતો. વિઘ્નહર્તા શ્રી ગણેશજીની સુંદર અને તેજસ્વી મૂતિર્ વિરાજમાન હતી. ગર્ભગૃહમાં ‘શુભ‘ અને ‘લાભ‘ લખેલા પ્રતીકો સાથે સ્વસ્તિક ચિહ્નો અને સુંદર હાથીઓની પ્રતિકૃતિ દ્વારા દિવ્ય શણગાર કરાયો હતો.મંદિર પરિસરમાં મારૂતિ યજ્ઞનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, સવારે ૯ કલાકે શ્રીહરિ મંદિરમાં પવિત્ર બ્રાહ્મણો દ્વારા ગણપતિદાદાનું પૂજન અને અર્ચન કરવામાં આવ્યું. પૂજન બાદ, શ્રી પૂજારી સ્વામીએ ગણપતિજીની આરતી ઉતારી હતી.આ દિવ્ય અને અનેરા દર્શનનો ભક્તોએ લાભ લીધો હતો.


