હની સિંહના પરિવારમાં શોકની લાગણી, ભત્રીજાના કરુણ મોતથી તૂટી પડ્યા યો યો હની સિંહ

જલંધરમાં ભયાનક કાર અકસ્માતમાં વિદિત ઓક અને તેના મિત્ર આરવ તલવારનાં મોત; ઈન્સ્ટાગ્રામ પર ગાયકે વ્યક્ત કર્યું દુઃખ

હની સિંહના પરિવારમાં શોકની લાગણી, ભત્રીજાના કરુણ મોતથી તૂટી પડ્યા યો યો હની સિંહ

જલંધર, તા. ૨
પ્રખ્યાત ગાયક અને રેપર યો યો હની સિંહના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. હની સિંહના ભત્રીજા વિદિત ઓકનું જલંધરમાં થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં મોત થયું છે. આ દુર્ઘટનામાં વિદિતના મિત્ર આરવ તલવારનું પણ મૃત્યુ થયું હતું. બંને મિત્રો જન્મદિવસની પાર્ટીમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની કાર અકસ્માતનો ભોગ બની હતી. ભત્રીજાના અચાનક નિધનથી હની સિંહ પણ ભારે દુઃખમાં છે.
અહેવાલો અનુસાર, આ અકસ્માત જલંધરના પોલીસ લાઇન્સ વિસ્તાર નજીક આવેલા ફ્લાયઓવર પર થયો હતો. વિદિત ઓક અને આરવ તલવાર ફોક્સવેગન કારમાં સવાર હતા. તેમની કાર બીએમસી ચોકથી બીએસએફ ચોક તરફ જઈ રહી હતી. આ દરમિયાન રસ્તા પર ઊભેલી નગર નિગમની ટ્રેક્ટર-ટ્રોલી સાથે કાર અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે બંને યુવાનોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં.
બારાદરી પોલીસ સ્ટેશનના એસએચઓ સાહિલ ચૌધરીના જણાવ્યા અનુસાર, પોલીસને અકસ્માતની જાણ વહેલી સવારે લગભગ ત્રણ વાગ્યે થઈ હતી. તે સમયે નગર નિગમના સફાઈ કર્મચારીઓ ફ્લાયઓવર પર સફાઈ કરી રહ્યા હતા અને કચરો એકત્રિત કરવા માટે ટ્રેક્ટર-ટ્રોલી રસ્તા પર ઊભી રાખવામાં આવી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થતી કાર ટ્રેક્ટર-ટ્રોલી સાથે અથડાઈ હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત સમયે ફોક્સવેગન કારમાં કુલ પાંચ લોકો સવાર હતા. તેમાંથી વિદિત ઓક અને આરવ તલવારનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. અન્ય ત્રણ લોકો અકસ્માત પહેલાં જ ઘરે પરત ફરી ગયા હતા. પોલીસે ઘટનાસ્થળેથી બંને મૃતદેહો કબજે લીધા હતા. પરિવારજનોએ વધુ કાનૂની કાર્યવાહી કરવાની ના પાડતાં મૃતદેહો તેમને સોંપવામાં આવ્યા હતા.
વિદિત ઓક જાણીતા પંજાબી મ્યુઝિક લેબલ સ્પીડ રેકોર્ડ્સના માલિક દિનેશ ઓકનો પુત્ર હતો. પંજાબી સંગીત જગતમાં સ્પીડ રેકોર્ડ્સનું મહત્ત્વનું સ્થાન રહ્યું છે. બીજી તરફ, અકસ્માતમાં મૃત્યુ પામેલા આરવ તલવાર પપી સ્વીટ્સના માલિકનો પુત્ર હતો. બંને યુવાનોના અચાનક નિધનથી તેમના પરિવારો અને નજીકના લોકોમાં શોકની લાગણી ફેલાઈ છે.
ભત્રીજાના નિધનથી દુઃખી થયેલા હની સિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ભાવુક સંદેશ શેર કર્યો હતો. તેમણે લખ્યું હતું, “મારા માટે આ જીવનનો કપરો સમય છે. ભત્રીજાને ગુમાવવાનું દુઃખ અસહ્ય છે. ભગવાન ભોલેનાથ, કૃપા કરો.” હની સિંહના આ સંદેશ બાદ તેમના ચાહકો પણ ભાવુક થઈ ગયા હતા અને સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપીને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.