ટ્રમ્પના સાંસદે હનુમાનજીનું અપમાન કરતા અમેરીકાના હિન્દુ સમુદાયમાં ભારે આક્રોશ

ટ્રમ્પના સાંસદે હનુમાનજીનું અપમાન કરતા અમેરીકાના હિન્દુ સમુદાયમાં ભારે આક્રોશ
INDIA DAILY

(એજન્સી)  ટેક્સાસ તા.ર૪
ટેરિફ અને દ્વિપક્ષીય વેપાર મુદ્દે ભારત અને અમેરિકાના સંબંધો છેલ્લા કેટલાક સમયથી વણસ્યા છે. પ્રમુખ ટ્રમ્પે ભારત પર દબાણ વધાર્યું છે તેનાથી સ્થિતિ વધુ કથળી છે. તેવા સમયે ટ્રમ્પના રિપબ્લિકન પક્ષના સાંસદ એલેક્ઝાન્ડર ડંકને વિવાદસ્પદ ટીપ્પણી કરતા ભગવાન હનુમાનનું અપમાન કર્યું છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના રિપબ્લિકન પક્ષને ગત વર્ષે પ્રમુખપદની ચૂંટણીમાં અમેરિકન હિન્દુઓએ મોટા પ્રમાણમાં મત આપ્યા હતા, પરંતુ પ્રમુખ બન્યા પછી હવે ટ્રમ્પ અને રિપબ્લિકન પાર્ટીનું વલણ બદલાઈ ગયું છે.
ટ્રમ્પ અને તેમના સાથી નેતાઓ અત્યાર સુધી ભારત અને હિન્દુઓ વિરોધી નિવેદનો આપતા હતા, પરંતુ તેમણે હવે હિન્દુ ભગવાન માટે પણ વિવાદાસ્પદ નિવેદનો આપવાનું શરૂ કર્યું છે. અમેરિકાના ટેક્સાસમાં અષ્ટલક્ષ્મી મંદિરમાં ગયા વર્ષે ૯૦ ફૂટ ઊંચી ભગવાન હનુમાનની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. ભગવાન હનુમાનની આ પ્રતિમા અમેરિકાની ત્રીજી સૌથી ઊંચી પ્રતિમા છે. આ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓળખાય છે. આ પ્રતિમાનો રિપબ્લિકન સાંસદ એલેક્ઝાન્ડર ડંકને વિરોધ કર્યો છે, જેનાથી હિન્દુ સંગઠનનો ગુસ્સો ભડકી ઊઠયો છે. અમેરિકામાં રહેતા હિન્દુઓએ રિપબ્લિકન પાર્ટી વિરૂધ્ધ પગલાં લેવાની માગણી કરી છે.