ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, વેરાવળના સહયોગથી કાજલી માર્કેટિંગ યાર્ડ ખાતે રક્તદાન શિબિર યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા)
પ્રભાસ-પાટણ તા.ર૧
સમગ્ર દેશમાં અત્યારે સેવા સંકલ્પ અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત સમાજને ઉપયોગી બની શકાય તે માટે ઠેર ઠેર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત ઇન્ડિયન રેડ સોસાયટી, વેરાવળ દ્વારા કાજલી માર્કેટિંગ યાર્ડ ખાતે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ એટલે કે તા. ૧૭ સપ્ટેમ્બરથી શરૂ થયેલ આ રક્તદાન શિબિરની શૃંખલામાં અનેક રક્તદાન શિબિરનું આયોજન ગીર સોમનાથ જિલ્લામાં કરવામાં આવ્યું છે. સેવા અને સમર્પણના ૨૫ વર્ષની થીમ હેઠળ તા. ૧૭ સપ્ટેમ્બર થી તા.૧૭ ઓક્ટોબર સુધી દેશભરમાં ‘સેવા સંકલ્પ અભિયાન‘ ચાલી રહ્યું છે. રાજ્યસભાના સાંસદ માનસિંહભાઈ પરમારે રક્તદાન કરીને સેવા સમર્પણનું આગવું ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું. તેમના માર્ગદર્શનમાં અનેક લોકોએ આજે રક્તદાન કર્યું હતું. કાજલી માર્કેટિંગ યાર્ડના હોલમાં યોજાયેલ આ કાર્યક્રમમાં રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, અગ્રણી ડો. સંજયભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, વેરાવળ નગરપાલિકાના હોદ્દેદારો, તાલુકા કારોબારી સભ્યો સહિત રાજકીય, સામાજિક, શૈક્ષણિક હોદ્દેદારો અને કાર્યકરોએ ‘રક્તદાન મહાદાન‘ના સૂત્રને સાર્થક કરતાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગીર સોમનાથના સહયોગથી યોજાયેલા આ રક્તદાન શિબિરમાં ૨૨૫ થી વધુ યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું. આ રક્તનો ઉપયોગ જિલ્લાના થેલેસેમિયા પીડિત બાળકો અને કેન્સરના દર્દીઓના લાભાર્થે કરવામાં આવશે. કેમ્પને સફળ બનાવવા માટે રેડક્રોસ સોસાયટીના અતુલભાઈ કાનાબાર, ચેરમેન એમિરેટ્સ કિરીટભાઈ ઉનડકટની આગેવાનીમાં સેક્રેટરી ગિરીશભાઈ ઠક્કર, જોઈન્ટ સેક્રેટરી અનિસ રાચ્છ, કમિટી મેમ્બર સંજયભાઈ દાવડા, ડો.ખેવનાબેન કારાવડિયા સહિત બ્લડ બેન્કના ટેકનિકલ સભ્યોએ જહેમત ઉઠાવી હતી.


