ગણપતિ દેવનાં આગમનને વધાવતા મેઘરાજા... જૂનાગઢ શહેર જીલ્લામાં મેઘરાજાનું શાહી આગમન
જૂનાગઢમાં ર ઈંચ, ભેંસાણમાં ૪ ઈંચ, વિસાવદર-મેંદરડા ૧ાા ઈંચ, ગીરનાર રાા ઈંચ
જૂનાગઢ તા. ૧૪
જૂનાગઢ શહેર અને જીલ્લામાં ગઈકાલે રવિવારે જેની લોકો આતુરતા પૂર્વક રાહ જાેઈ રહયા તે મેઘરાજાનું શાહી આગમન થતાં લોકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. કયાંક ભારે ઝાપટા તો કયાંક ધીમી ધારે વરસાદ પડવાનાં કારણે ઠંડક પ્રસરી ગઈ હતી. તો બીજી તરફ સરેરાશ એકથી ચાર ઈંચ જેવો વરસાદ વિવિધ વિસ્તારોમાં પડયો હોવાનાં અહેવાલો છે. છેલ્લા એક અઠવાડીયાથી વરસાદ આવુ આવુ કરતો હતો પરંતુ વરસાદ થતો ન હતો અને જેને કારણે લોકોનાં જીવ પડીકે બંધાયા હતાં. તેમજ બફારા જેવા વાતાવરણનાં કારણે બેવડી ઋતુનાં કારણે રોગચાળો પણ ફાટી નીકળ્યો હતો. દરમ્યાન એક તકે તો લોકોને વરસાદ થશે કે નહી તે અંગે સતત ચિંતા થતી હતી. આ દરમ્યાન ગઈકાલે ત્રણ સીસ્ટમ બંધાતા હવામાનમાં અચાનક પલ્ટો આવી જતાં ધીમી ધારે વરસાદ પડવો શરૂ થયો હતો. ગીરનાર ઉપર પણ ધોધમાર વરસાદ તુટી પડયો હતો. દરમ્યાન ગઈકાલે શરૂ થયેલ વરસાદ આજે બીજા દિવસે પણ મેઘાવી માહોલ રહયો છે. અને આ લખાઈ છે ત્યાં સુધીમાં પ્રાપ્ત અહેવાલ અનુસાર જૂનાગઢ જીલ્લાનાં વિવિધ ૧૦ તાલુકામાં પડેલા વરસાદમાં માણાવદર ૩ મીમી, વંથલી ૯ મીમી, જૂનાગઢ ૪પ મીમી, ભેંસાણ ૧૦૦ મીમી, વિસાવદર ૩૦ મીમી, મેંદરડા ૩૬ મીમી, કેશોદ ૧૩ મીમી, માંગરોળ ૧૮ મીમી, માળીયા હાટીના ૧૪ મીમી તેમજ ગીરનારમાં ૭૦ મીમી જેવો વરસાદ નોંધાયો છે. એક તરફ વિધ્નહર્તા દેવ ગણપતિ ઉત્સવની ઉજવણી આજથી જ શરૂ થઈ છે ત્યારે ગણપતિ દેવનાં આગમનને વધાવવા માટે મેઘરાજાનો છંટકાવ થયો હોય તે રીતે મેઘાવી માહોલ સર્જાયો છે.


