ગીર-સોમનાથ ખાતે સુપ્રસિધ્ધ મેંગો માર્કેટનો પ્રારંભ થયો

ગીર-સોમનાથ ખાતે સુપ્રસિધ્ધ મેંગો માર્કેટનો પ્રારંભ થયો

(પ્રતિનિધિ દ્વારા)
પ્રભાસ-પાટણ તા.20
સ્વાદ-સુગંધ અને અનેરી ફોરમથી સ્વાદ રસીકોમાં જાણીતી અને માનીતી બનેલી કેસર કેરીના ગઢ તાલાલામાં મેંગો માર્કેટનો પ્રારંભ થયો હતો. હવામાન-પાક ઉત્પાદન વિગેરે જાેતા ઓછામાં ઓછા બે મહિના સુધી તો સિઝન ચાલશે જ તેવું પ્રાથમિક અનુમાન છે. ગત વર્ષે સિઝન 44 દિવસ ચાલી હતી અને દસ કિલોના ચાર લાખ 49 હજાર 450 બોકસનું વેંચાણ થયું હતું અને ઉત્પાદકોને સરેરાશ ભાવ રૂપીયા 560 મળ્યો હતો. આ કેસર કેરી સાત સમંદર પાર વોશીગ્ટન, ઓસ્ટ્રેલીયા જવા પણ તૈયારી થઈ રહી છે. યુરોપ, ગલ્ફ અને યુ.કે.માં આ કેરીની સારી માંગ છે. ગત વર્ષે રાજયમાંથી 900 ટન કેસર કેરીની વિદેશમાં નિકાશ થઈ હતી. તા.19-04-2026 પ્રથમ દિવસ મેંગો માર્કેટ હરરાજીમાંં 10 કિલોના બોકસના ભાવમાં ઉંચા 1250 રૂપીયા, સરેરાશ 825 રૂપીયા અને નીચા 450 રૂપીયા હતા. કુલ 10,400 બોકસની આવક થઈ હતી. મેંગો માર્કેટ શરૂ થતા જ તેની સાથે જાેડાયેલા ટ્રાન્સપોર્ટરો, બોકસ બનાવનારા, બોકસ બાંધવાની દોરી, રીક્ષા, છૂટક વેંચાણ માટે લઈ જતા લોકો, મજુરો, કેરીના રસમાંથી વિવિધ વસ્તુઓ બનાવનારાઓ વિગેરે અન્ય ધંધાર્થીઓમાં ઉત્સાહ-તેજી આવેલ છે.