ટ્રમ્પે નેતાન્યાહૂને પાગલ કહ્યા : આખરે તમે કરી શું રહ્યા છો ?

ટ્રમ્પે નેતાન્યાહૂને પાગલ કહ્યા : આખરે તમે કરી શું રહ્યા છો ?

(એજન્સી)           વોશિંગ્ટન તા.2
ટ્રમ્પે સોમવારે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર વાત કરતા લેબનોનમાં ઇઝરાયલી સૈન્ય કાર્યવાહી પર સખત નારાજગી વ્યક્ત કરી. એક્સિયોસના રિપોર્ટ મુજબ, ટ્રમ્પે ગુસ્સામાં નેતન્યાહુને ‘પાગલ‘ કહ્યા અને તેમના પર ઉપકાર ન માનવાનો આરોપ લગાવ્યો.
રિપોર્ટ મુજબ, લેબનોન પર હુમલા બાદ ઈરાને સોમવારે ચેતવણી આપી હતી કે જો ઇઝરાયલી કાર્યવાહી ચાલુ રહેશે તો તે અમેરિકા સાથે ચાલી રહેલી વાતચીત છોડી શકે છે. આનાથી નારાજ ટ્રમ્પે નેતન્યાહુને ઠપકો આપ્યો. એક અમેરિકન અધિકારીના જણાવ્યા અનુસાર, ટ્રમ્પે નેતન્યાહુને કહ્યું કે, ‘તું તો બિલકુલ પાગલ છે. જો હું ન હોત, તો તું અત્યાર સુધી જેલમાં હોત. હું તારો જીવ બચાવી રહ્યો છું. હવે દરેક વ્યક્તિ તારાથી નફરત કરે છે. આ જ કારણે દરેક વ્યક્તિ ઇઝરાયેલથી પણ નફરત કરે છે.‘
અમેરિકી અધિકારીઓના મતે ટ્રમ્પ ખાસ કરીને એ વાતથી પરેશાન હતા કે લેબનોનમાં મોટી સંખ્યામાં સામાન્ય નાગરિકો માર્યા જઈ રહ્યા છે અને એક હિઝબુલ્લાહ કમાન્ડરને નિશાન બનાવવા માટે આખી ઇમારતો તોડી પાડવામાં આવી રહી છે.