પ્રાચી તીર્થ ખાતે લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ભારે વરસાદના પગલે રસ્તાઓ ઉપર પાણી વહેતા થયા
(પ્રતિનિધિ દ્વારા)
પ્રાચી તીર્થ તા.૧૪
પ્રાચી તીર્થ સહિત આસપાસના વિસ્તારોમાં લાંબા સમયના વિરામ બાદ આજે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. અચાનક શરૂ થયેલા વરસાદને કારણે રસ્તાઓ પર પાણી દોડતા થયા હતા અને સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદના આગમનથી સ્થાનિક લોકો તેમજ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. છેલ્લા કેટલાક સમયથી વરસાદે વિરામ લેતા ખેડૂતો ચિંતિત બન્યા હતા. વરસાદના અભાવે પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ હતી અને ખેતીકામ પર પણ તેની અસર જોવા મળી રહી હતી. જોકે, આજે પડેલા સારા વરસાદથી મુંઝાતી મોલાતને જાણે જીવનદાન મળ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ખેતરોમાં ભેજનું પ્રમાણ વધતાં પાકને ફાયદો થવાની આશા ખેડૂતોમાં જાગી છે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી હતી. મેઘરાજાની આ એન્ટ્રીથી ખેડૂતોમાં નવી આશા જાગી છે. આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહે અને ખેતી માટે જરૂરી વરસાદ વરસે તેવી સૌ કોઈ આશા વ્યક્ત કરી રહ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, સમયસર પડેલા આ વરસાદથી ખરીફ પાકને મોટો લાભ થવાની શક્યતા છે.(તસ્વીર : જાદવભાઈ ચુડાસમા)


