અયોધ્યામાં રામ મંદિરના શિખર પર ધર્મધ્વજ લહેરાયો

સદીઓની વેદનાનો અંત આવ્યો - આજે સંકલ્પને સિધ્ધી મળી છે : વડાપ્રધાન

અયોધ્યામાં રામ મંદિરના શિખર પર ધર્મધ્વજ લહેરાયો

(એજન્સી)         અયોધ્યા તા.૨૫
ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં ફરી એક વખત ઐતિહાસીક અવસર ભવ્ય રીતે ઉજવાયો હતો અને સમગ્ર રામનગરી રામમય બની હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામ મંદિરના સુવર્ણ શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.
આ સાથે ભવ્ય રામ મંદિર સંપૂર્ણ રીતે પૂર્ણ થયાની ઘોષણા કરવામાં આવી હતી. ભવ્ય ધામિર્ક ઉત્સવમાં ૮૦૦૦ ખાસ મહેમાનો શામેલ થયા હતા અને અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે અયોધ્યા પહોંચતાની સાથે જ સીધા સાત મંદિર ગયા હતા જયાં મર્હષિ, વશિષ્ઠ, મર્હષિ વિશ્વામિત્ર, મર્હષિ અગસ્ત્ય, મર્હષિ વાલમીકી, દેવ અહીલ્યા, નિષાદરાજ, ગુહા તથા માતા શબરી મંદિરમાં પુજા કરી હતી. ત્યાંથી શેષાવતાર મંદિર અને ત્યારબાદ અન્નપૂર્ણા મંદિરે દર્શન પૂજા કર્યા હતા.
રામ દરબાર ગર્ભગૃહમાં દર્શન પૂજન બાદ વડાપ્રધાને સુવર્ણ શિખર પર ધ્વજારોહણ કર્યુ હતું.
ધ્વજારોહણ બાદ વડાપ્રધાને અયોધ્યા શ્રી રામ મંદિર સંકુલમાંથી સંબોધન કર્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, સદીઓના ઘાવ હવે ભરાઈ રહ્યા છે. રામ ભક્તોના મનમાં અપાર આનંદ છે. સદીઓની વેદના હવે વિરામ પામી રહી છે અને સંકલ્પને સિધ્ધી મળી છે. વડાપ્રધાને કહ્યું કે, રામ એટલે જનતાના સુખને સર્વોપરી રાખવું. આપણે શ્રીરામના વ્યક્તિત્વને સમજવું પડશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ધર્મધ્વજ રામના આદર્શોનો ઉદઘોષ છે. રામ એટલે આદર્શ, મર્યાદા અને સર્વોચ્ચ ચરીત્ર, અયોધ્યામાં આદર્શ આચરણમાં બદલે છે. વડાપ્રધને કહ્યું કે, ગુલામીની માનસીકતાએ રામત્વને નકાર્યું હતું. ગુલામીની માનસીકતાથી મુક્તિ જરૂરી છે. આઝાદી મળી પરંતુ હીન ભાવનાથી મુક્તિ મળી નહોતી, આ ધ્વજથી શ્રીરામના આદર્શ ફેલાશે. ભારતના કણ કણમાં રામ સામેલ છે. રામ એક મુલ્ય મર્યાદાની દિશા છે તેમ તેમણે જણાવ્યું હતું.