વિશ્વ બજારમાં સોના-ચાંદીના ભાવમાં ભારે કડાકો બોલી ગયો : સોનુ ૪૦૦૦ ડોલરની નીચે ઉતરી ગયું
(બ્યુરો) રાજકોટ તા.૨૮
દિવાળીના તહેવારો પુરા થવા સાથે જ સોના-ચાંદીમાં તેજીના વળતા પાણી શરૂ થઈ ગયા હોય તેમ આજે ભાવમાં વધુ ગાબડા પડયા હતા. વિશ્વ બજારમાં સોનું ૪૦૦૦ ડોલરની નીચે ઉતરી ગયુ છે. સોના-ચાંદીમાં કેટલાંક મહિનાઓથી અસામાન્ય તેજીનો દોર હતો.દિવાળીના તહેવારો દરમ્યાન ભાવો ઐતિહાસીક સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા હતા. ભાવ કયા પહોંચશે તે વિશે વેપારીઓ પણ કોઈ ચોકકસ તારણ કાઢવામાં અસમર્થ હતા.જોકે, અમુક નિષ્ણાંત વધુ તેજીની આગાહી કરતા હતા.
હવે ભાવ ઉંધા પડવા લાગ્યા હોય તેમ ભાવમાં વધુ કડાકો હતો.વિશ્વ બજારમાં સોનાનો ભાવ ૪૦૦૦ ડોલરની નીચે સરકીને ૩૯૭૫ ડોલર સાંપડયો હતો. એકાદ સપ્તાહ પૂર્વે જ ૪૩૮૧ ડોલરની સર્વોચ્ચ સપાટી બનાવી હતી તેની સરખામણીએ ૪૦૦ ડોલર નીકળી ગયા છે. ચાંદીનો ભાવ આજે વધુ ઘટીને ૪૬.૭૩ ડોલર સાંપડયો હતો. રાજકોટમાં આજે પ્રારંભીક કામકાજમાં સોનું ૨૦૦૦ રૂપિયા જેટલુ તૂટીને ૧૨૩૬૦૦ બોલાતું હતું. ચાંદી ૩૦૦૦ થી વધુના ઘટાડાથી દોઢ લાખની નીચે ઉતરી ગઈ હતી અને ભાવ ૧.૪૮ લાખ હતો.


