જૂનાગઢમાં રાષ્ટ્રીય એકતા દિવસની  ઉત્સાહભેર ઉજવણી : ‘એકતા રેલી‘ અને વિવિધ કાર્યક્રમો યોજાયા

જૂનાગઢ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી : ગુજરાત રાજય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપુતના અધ્યક્ષસ્થાને યોજાયેલી ‘એકતા રેલી‘માં દેશભક્તિઅને દેશની એકતા માટે સમપિર્તતાનો માહોલ

જૂનાગઢમાં રાષ્ટ્રીય એકતા દિવસની  ઉત્સાહભેર ઉજવણી : ‘એકતા રેલી‘ અને વિવિધ કાર્યક્રમો યોજાયા

જૂનાગઢ તા.ર
રાષ્ટ્રના લોખંડી પુરૂષ  સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિન નિમિત્તે રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને સામાજિક સમરસતાનો સંદેશ લોકો સુધી પહોંચાડવાના અર્થે જૂનાગઢ શહેરમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ અંતર્ગત ઉત્સાહભેર વિવિધ કાર્યક્રમો અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપુતના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. આ પ્રસંગે આઝાદ ચોકના એ.જી. સ્કૂલ ગ્રાઉન્ડ ખાતેથી  કેવડિયા કોલોની થી એકતા પરેડનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌ કોઈએ  નિહાળ્યું હતું. તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ઉદબોધન પણ નિહાળ્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીએ અધ્યક્ષીય ઉદબોધન કરતા જણાવ્યુ હતું કે, સરદાર પટેલે સમગ્ર દેશને અખંડ ભારત તરીકે એક સૂત્રમાં બાંધ્યો હતો, તે જ રીતે યોગ પણ આપણા તન, મન અને આત્માને એક સૂત્રમાં જોડે છે. વર્તમાન સમયમાં જ્યારે લોકો હતાશા, બીમારીઓ અને નકારાત્મકતામાં ફસાયેલા છે, ત્યારે યોગ સાથે જોડાવાથી તેમને પોતાની અંદર રહેલી શક્તિઓનું ભાન થાય છે. અને સરદાર પટેલ જેવું લોખંડી મનોબળ પ્રાપ્ત થાય છે.  આજના દિવસે આપણને "યોગી બનો, નિરોગી બનો, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનો" નો સંકલ્પ લઈ એક વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપવાનું આહ્વાન કર્યુ હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો મુખ્ય હેતુ યોગને ઘર-ઘર સુધી પહોંચાડવાનો છે. નાગરિકો પોતે યોગ શિક્ષક બનીને પોતાના ઘર અને સોસાયટીમાં યોગ વર્ગ ચલાવે તે પણ સાચી રાષ્ટ્રભક્તિ છે, કારણ કે યોગથી નાગરિકોનું શરીરબળ, મનોબળ, આત્મબળ અને બુદ્ધિબળ વધે છે, જે રાષ્ટ્રના વિકાસ માટે અનિવાર્ય છે. ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ જણાવ્યું હતું કે, ‘આરઝી  હકુમત‘ની લડાઈ-રજવાડાઓને ભારતમાં જોડવામાં સરદાર સાહેબનું પ્રબળ યોગદાન હતું. રજવાડાઓનું એકીકરણ કરીને અખંડ ભારતનું નિર્માણ કરનાર લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલનું યોગદાન અવિસ્મરણીય છે. સરદાર સાહેબ માત્ર એક રાજનેતા નહોતા, પણ એક મહાન સમાજ સુધારક અને રાષ્ટ્રીય એકતાનું સાચું સ્વરૂપ હતા. દેશના પ્રથમ ગૃહમંત્રી હોવા છતાં તેમના અવસાન બાદ બેંક ખાતામાં માત્ર ૩૦૦ રૂપિયા અને ચાર જોડી કપડાં જ નીકળ્યા, જે તેમની પ્રમાણિકતા, સાદગી અને નિષ્ઠાની સાક્ષી પૂરે છે. આજે માત્ર સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા પૂરતું સીમિત ન રહેતા, તેમના જીવનના મહાન મંત્ર ‘સાચું કહેવાની હિંમત રાખો‘ ને આપણા જીવનમાં ઉતારવાની જરૂર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટર ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી‘ બનાવીને સરદાર સાહેબને સાચું વૈશ્વિક સન્માન આપવામાં આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન પલ્લવીબેન ઠાકરે પ્રાસંગિક ઉદબાોધનમાં જણાવ્યું હતું કે, જૂનાગઢના નવાબે જ્યારે જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડાવાનો ર્નિણય કર્યો, ત્યારે જૂનાગઢવાસીઓએ  તે મંજૂર રાખ્યો નહીં અને સરદાર વલ્લભભાઈ પટેલે ભારત સાથે વિલીનીકરણ માટે ‘આરઝૂ હકુમત‘ની ચળવળ વખતે લોકમત કેળવ્યો હતો. લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની અદ્ભુત કુનેહ, રાજકીય દીર્ઘદ્રષ્ટિ અને દ્રઢ ઈચ્છાશક્તિથી ૫૬૨ જેટલા દેશી રજવાડાઓનું ભારતીય સંઘમાં એકીકરણ કરીને ‘અખંડ ભારત‘નું નિર્માણ કર્યું હતું. સરદાર સાહેબની આ ઐતિહાસિક નીતિના કારણે જ જૂનાગઢ ભારતનું અભિન્ન અંગ બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરદાર સાહેબને  કેવડિયા ખાતે ૧૮૨ મીટર ઊંચી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ થકી સાચી શ્રદ્ધાંજલિ મળી છે. જૂનાગઢની ઐતિહાસિક ઈમારત આજે પણ સરદાર સાહેબના આ ભગીરથ કાર્ય અને રાષ્ટ્રીય એકતાની સાક્ષી પુરે છે. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે  કલા, પર્યાવરણ સંરક્ષણ, વનીકરણ,૮૦ વર્ષથી ઉપરના રમતવીરો, સમાજસેવા, સ્વચ્છતા,શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર નાગરિકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં પદ્મશ્રી હાજીભાઈ કાસમભાઈ, મિલિંદ ગઢવી, પ્રણવ વઘાસિયા, ભાનુમતિબેન પટેલ, હીરાલક્ષ્મીબેન વાસણ, માવસીભાઈ બારડ, રેવતુભા જાડેજા, મનસુખભાઈ ઘોડાસરા, ભાવેશભાઈ કક્કડ, વિપુલ  ત્રિવેદી, રજનીકાંત અગ્રાવત, જય કિશન દેવાણી, ક્લિનઅપ જૂનાગઢ, હિલધારી ગ્રુપ, આશાદીપ ચેરીટેબલ ટ્રસ્ટ, ડો. કિરણ પટેલ, મંજુલાબેન કરમુર, મહેન્દ્રભાઈ લાડાણી, મુખ્ય તેલીબીયા સંશોધન કેન્દ્ર ઘન સંશોધન કેન્દ્ર અને બીજ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ કૃષિ યુનિવસિર્ટીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં વંદે માતરમ નું સામૂહિક ગાન પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે રાષ્ટ્રીય એકતા દિવસના શપથ ઉપસ્થિત સૌ કોઈએ લીધા હતા. કાર્યક્રમ પુર્વે  સરદાર ચોક જીમખાના પાસેથી અખંડિતતા અને રાષ્ટ્રભાવનાના સંદેશ સાથે ભવ્ય ‘એકતા રેલી‘નું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. એકતા રેલીના પ્રસ્થાન પૂર્વે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી, સાંસદ રાજેશભાઈ ચુડાસમા સહિતના મહાનુભાવોના હસ્તે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સુતરની આંટી અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આ રેલી જીમખાનાથી કાળવા ચોક થઈને એમ.જી. રોડથી એ.જી. સ્કૂલ ગ્રાઉન્ડ સુધી પહોંચી હતી. નગરજનો, વિદ્યાર્થીઓ અને  અધિકારીઓની મોટી ઉપસ્થિતિથી આખો માહોલ દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો.