ગીરનાર બાયો મેડીકલ વેસ્ટની ગાડીમાંથી રૂા. ર.૮૦ લાખનો દારૂ ઝડપાયો
સોરઠ તબીબી સંઘની માલીકીની ગાડીમાંથી દારૂ, બીયર, બોલેરો કાર સહીત કુલ રૂા. ૭.૯૦ લાખનો મુદામાલ જપ્ત : ચાલકની ધરપકડ
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા. ર૬
જૂનાગઢમાં ઈવનગર રોડ પરથી પોલીસે જૈવિક કચરાની જીપ રોકી તપાસ કરતા તેમાંથી રૂા. ર.૮૦ લાખનો દારૂ મળી આવ્યો હતો. સાથે જૈવિક કચરો હોવાથી પોલીસે ખાલી કરવા જીઆઈડીસીમાં જવું પડયુ હતું. અને સેનેટાઈઝ બાદ વાહન કબ્જે કરવામાં આવ્યું હતું. સોરઠ તબીબી સંઘની માલિકીની જીપના ડ્રાઈવરે દિવથી જૈવિક કચરા સાથે ખામધ્રોળનાં બુટલેગરના કહેવાથી દારૂ લઈ આવ્યાની કબુલાત આપી હતી. પોલીસે ચાલકની ધરપકડ કરી અને તેની વધુ પુછપરછ હાથ ધરી છે.
આ અંગે વધુ વિગત મુજબ મેંદરડા તરફથી આવતી બોડીપેક જીપમાં જૈવિક કચરાની આડમાં દારૂનો જથ્થો લઈ આવવામાં આવતો હોવાની બાતમીનાં આધારે સી ડીવીઝન પોલીસે ઈવનગર રોડ પર વોચ ગોઠવી હતી. આ વાહન પસાર થતા તેને રોકી તપાસ કરતા તેમાં પ્લાસ્ટીકનાં નવ ઝભલા જાેવા મળ્યા હતાં. તેને ખોલતા તેમાંથી રૂા. ર.૮૦ લાખની કિંમતનો ૪૬૦ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ટીંબાવાડીમાં રહેતા જીપ ચાલક કૈશાલ સોમજી કાબાની પુરછપરછ કરતા તેણ દિવ જૈવિક કચરો લેવા ગયેલ ત્યારે જૂનાગઢના ખામધ્રોળ રોડ પર રહેતા નાનજી આણંદ ચાવડાએ દિવથી દારૂનો જથ્થો જીપમાં ભરાવ્યો હતો. અને તેણે આગળ પાયલોટીંગ કર્યુ હતું. જૂનાગઢ પહોંચી આ દારૂનો જથ્થો તેની કારમાં ઉતારી દેવાનો હોવાની કબુલાત આપી હતી.
દારૂ સાથે જૈવિક કચરો હોવાથી પોલીસે જીઆઈડીસીમાં આવેલા સોરઠ તબીબી સંઘ સંચાલીત ગીરનાર બાયો મેડીકલ વેસ્ટ સર્વીસીઝના ગોડાઉનમાં જઈ બાયો મેડીકલ વેસ્ટના ઝભલા ખોલી તપાસ કરી હતી. તેમાંથી દારૂ મળ્યો ન હતો. પોલીસે આ સ્થળે જીપ અને સેનેટાઈઝ કરાવ્યા બાદ કબ્જે કરી હતી. આ જીપ પણ સોરઠ તબીબી સંધની માલીકીની હોવાનું સામે આવ્યું હતું. પોલીસે રૂા. ૭.૯૦ લાખથી વધુનો મુદામાલ કબ્જે કર્યો હતો. આ અંગે સી ડીવીઝનના કોન્સ્ટેબલ દિનેશભમાઈ રામભાઈ જીલડીયાએ ફરીયાદ કરતા પોલીસે કૈલાશ સોમજી કાબા અને હાજર નહી મળી આવેલા નાનજી આણંદ ચાવડા સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


