જૂનાગઢ જિલ્લામાં બ્રહ્માકુમારીજના "૧૦ કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા મહાઅભિયાન"ને ભારે પ્રતિસાદ મળ્યો
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૧૩
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા ભારત સરકારના નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત શરૂ કરવામાં આવેલ "૧૦ કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા મહાઅભિયાન" જૂનાગઢ જિલ્લામાં ખૂબ જ સુંદર અને ઉત્સાહભેર આગળ વધી રહ્યું છે. તા.૬ ઓગસ્ટથી શરૂ થયેલા આ અભિયાન અંતર્ગત જિલ્લાના વિવિધ શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં નશામુક્તિ અંગે જનજાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જૂનાગઢ બ્રહ્માકુમારી કેન્દ્રના મુખ્ય સંચાલિકા બ્રહ્માકુમારી બીના બહેનના માર્ગદર્શન હેઠળ બ્રહ્માકુમારી બહેનો દ્વારા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ અને યુવાનોને નશાના દુષ્પરિણામો અંગે માહિતગાર કરવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓને નશાથી દૂર રહીને સ્વસ્થ, સકારાત્મક અને મૂલ્યનિષ્ઠ જીવન જીવવા માટે પ્રેરણા આપવામાં આવી રહી છે. કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓને નશામુક્તિ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે, તેમજ રાજયોગ મેડિટેશન દ્વારા મનની શાંતિ, આત્મનિયંત્રણ અને સકારાત્મક વિચારોનું મહત્વ સમજાવવામાં આવે છે. વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહપૂર્વક પ્રતિજ્ઞા લેવામાં આવી રહી છે અને "નશામુક્ત ભારત - સ્વસ્થ ભારત"ના સંકલ્પ સાથે આ અભિયાનમાં જોડાઈ રહ્યા છે. બ્રહ્માકુમારી બીના બહેને જણાવ્યું હતું કે, "આજના યુવાનો દેશનું ભવિષ્ય છે. જો યુવાનો નશાથી દૂર રહેશે તો પરિવાર, સમાજ અને સમગ્ર દેશ વધુ સ્વસ્થ અને શક્તિશાળી બનશે. તેથી શાળાઓ અને કોલેજોમાં નશામુક્તિ અંગે જાગૃતિ લાવવી અને મૂલ્યો ઉપર વિદ્યાર્થીઓ નું ધ્યાન જાય એ આ અભિયાનનો અત્યંત મહત્વપૂર્ણ ભાગ છે." અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓને માત્ર પોતે નશાથી દૂર રહેવા જ નહીં, પરંતુ પોતાના પરિવાર, મિત્રો અને સમાજના અન્ય લોકોને પણ નશામુક્ત જીવન અપનાવવા માટે પ્રેરિત કરવાની અપીલ કરવામાં આવી રહી છે. દરેક વ્યક્તિ ઓછામાં ઓછા ૫૦ લોકોને નશામુક્તિ પ્રતિજ્ઞા સાથે જોડે તેવો સંદેશ પણ આપવામાં આવી રહ્યો છે. જૂનાગઢ જિલ્લાના વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં ચાલી રહેલા આ કાર્યક્રમોને શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને સંચાલકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. શાળાઓ અને કોલેજોમાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ તથા નશામુક્ત ભારત માટેનો સંકલ્પ સમગ્ર અભિયાનને જનઆંદોલનનું સ્વરૂપ આપી રહ્યો છે. આ મહાઅભિયાન ૬ ઓગસ્ટથી ૨૦ ઓગસ્ટ ૨૦૨૬ સુધી સમગ્ર દેશમાં યોજાઈ રહ્યું છે અને બ્રહ્માકુમારી પરિવાર દ્વારા વધુમાં વધુ નાગરિકોને આ ઐતિહાસિક અભિયાન સાથે જોડાવા માટે અપીલ કરવામાં આવી છે. નાગરિકો ઊઇ કોડ સ્કેન કરીને અથવા WhatsApp નંબર ૯૪૧૪૧૫૪૦૦૦ પર "PLEDGE" લખીને નશા મુક્તિ પ્રતિજ્ઞામાં જોડાઈ શકે છે.


