જૂનાગઢ શહેરનાં મોતીબાગ વિસ્તારમાં રસ્તા પેચવર્કની યુધ્ધના ધોરણે કામગીરી : રાતોરાત રીપેરીંગ કામ હાથ ધરાયું
મનપાનાં કમિશ્નર આઈ.આર. વાળા દ્વારા શહેરનાં જર્જરીત બની ગયેલા રસ્તાઓનું રીપેરીંગ અને પેચવર્કની કામગીરી દિવાળી પહેલા પૂર્ણ કરી લેવા ભરપુર પ્રયાસો
જૂનાગઢ તા. ૫
જૂનાગઢ શહેરનાં લોકો ઘણા લાંબા સમય થયા ખરાબ રસ્તા, જર્જરીત રસ્તા અને તુટી ગયેલા રસ્તાઓને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરી રહયા છે. રસ્તાઓની ફરીયાદ સત્તાધિશોનાં કાને સંભળાતી ન હોય તેવા માહોલ વચ્ચે આશાનું એક કિરણ પ્રગટયુ છે. જૂનાગઢ મનપાનાં કમિશ્નર આઈ.આર. વાળા દ્વારા શહેરનાં રસ્તાઓ કે જે અત્યંત ખરાબ બની ગયા છે. અને ચોમાસા કે અન્ય કારણોસર તુટી ગયા છે તેવા રસ્તાઓનાં રીપેરીંગની કામગીરી માટે યુધ્ધનાં ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. અને જેને લઈને લોકોને રાહત પણ પહોંચી રહી છે.
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર થોડા દિવસ પહેલા જ એટલે કે રેલ્વે સ્ટેશનથી ગાંધી ચોક સુધી ભુગર્ભ ગટરની ફેઝ-રની કામગીરી શરૂ કરવાનાં ભાગરૂપે આ રસ્તો બંધ કરવામાં આવેલ છે. અને જયાં સતત ર૪ કલાક કામગીરી હાથ ધરાઈ છે. આ દરમ્યાન કમિશ્નર આઈ.આર. વાળા દ્વારા લોકોને રસ્તાને કારણે પડતી મુશ્કેલીને ધ્યાને લઈ અને કોર્પોરેશન દ્વારા દિવાળી પહેલા જ રસ્તાની કામગીરી પૂર્ણ કરી લેવા અને સીમેન્ટ રોડ બનાવી દેવામાં આવશે તેવું નિવેદન પણ આપ્યું હતું. આ તકે કમિશ્નરશ્રીએ એમ પણ જણાવ્યું હતું કે ચોમાસા કે અન્ય કારણોને લઈને જૂનાગઢ શહેરનાં જયા પણ રસ્તાઓ તુટેલા છે તે રસ્તાઓને વહેલી તકે રીપેરીંગ અને પેચવર્કની કામગીરી ઝડપથી પુરી કરી લેવામાં આવશે. કમિશ્નરશ્રીના આ નિવેદન સત્ય સાબીત થઈ રહયું છે. કોલેજ રોડથી મોતીબાગ સુધીનાં રસ્તાને પેચવર્ક કરવાની કામગીરી જાેરશોરથી ચાલી છે. અને ગઈકાલે રાતોરાત મોતીબાગ વિસ્તારમાં પણ રસ્તાનું પેચવર્કનું કામ ઝડપભેર પુરૂ કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં જાે આવી કામગીરી થતી રહે તો શહેરનાં મોટાભાગના રસ્તાઓમાં વ્યવસ્થિત રીતે રસ્તાના પેચવર્કની કામગીરી પૂર્ણ થશે તેવા નિર્દેશો મળી રહયા છે.


