પોરબંદર દિલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમત ગમત કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ યુવાનો સાથે ક્રિકેટ રમી ઉત્સાહ વધાર્યો
પોરબંદરના દિલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યુવા મોરચાના કાર્યકરો સાથે ક્રિકેટ મેચમાં જોડાયા ‘ફિટ ઈન્ડિયા’ અને ‘ખેલો ઈન્ડિયા’ અભિયાનને વધુ વેગ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો
(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.17
પોરબંદરના દિલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પોરબંદર લોકસભાના સાંસદ તથા કેન્દ્રીય શ્રમ, રોજગાર તેમજ યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના કાર્યકરો અને યુવાનો સાથે ક્રિકેટ રમી રમતગમત પ્રત્યે જાગૃતિ અને સ્વસ્થ જીવનશૈલીનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. રમતગમત મંત્રીએ યુવાનોને નિયમિત રમતગમત પ્રવૃત્તિઓ સાથે જોડાવા અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કરવા હળવા અને ઉત્સાહભર્યા વાતાવરણમાં ક્રિકેટ મેચમાં ભાગ લીધો હતો. તેમની ઉપસ્થિતિથી યુવાનો અને રમતપ્રેમીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે ડો. મનસુખ માંડવિયા દેશભરમાં ‘ફિટ ઈન્ડિયા’ અને ‘ખેલો ઈન્ડિયા’ જેવા અભિયાનોને વધુ વેગ આપવા સતત સાયકલિંગ, યોગ અને વિવિધ રમતગમત પ્રવૃત્તિઓમાં સ્વયં ભાગ લેતા રહે છે. તેમના પ્રયાસોથી યુવાનોમાં રમતગમત પ્રત્યે સકારાત્મક વાતાવરણ સર્જાઈ રહ્યું છે અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધી રહી છે.
ક્રિકેટ મેચ દરમિયાન યુવા મોરચાના કાર્યકરો અને ખેલાડીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. કેન્દ્રીય મંત્રી સાથે મેદાનમાં ક્રિકેટ રમવાનો અવસર મળતા યુવાનોમાં આનંદ અને પ્રેરણાની લાગણી પ્રસરી હતી.


