બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ, જૂનાગઢ વેસ્ટ ઝોન જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ઐતિહાસિક સિદ્ધિ

બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ, જૂનાગઢ વેસ્ટ ઝોન જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ઐતિહાસિક સિદ્ધિ

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.ર
તા.૨૪ સપ્ટેમ્બરથી ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન ગોવા ખાતે યોજાયેલી ૩૭મી વેસ્ટ ઝોન જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં જૂનાગઢની બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજની વિદ્યાર્થીની કાથડ શ્રદ્ધા કાંતિભાઈએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને કોલેજ, શહેર તેમજ સમગ્ર ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે. કાથડ શ્રદ્ધા કાંતિભાઈ હાલમાં બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજમાં બી.એ. (ગુજરાતી વિષય)ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહી છે. આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં તેણે ગુજરાત રાજ્યનું ગૌરવપૂર્ણ પ્રતિનિધિત્વ કર્યું હતું. ગોળાફેક ઇવેન્ટમાં શ્રદ્ધાએ ૧૦.૮૯ મીટરનો પોતાનો શ્રેષ્ઠ થ્રો નોંધાવીને તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને પ્રતિષ્ઠિત બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. તેની આ સિદ્ધિ રાજ્ય તેમજ કોલેજ માટે ગૌરવ અને આનંદની બાબત છે. શ્રદ્ધાની આ ઝળહળતી સફળતા પાછળ તેની સતત અને અથાક મહેનત, રમત પ્રત્યેનું સમર્પણ અને નિયમિત તાલીમનો અત્યંત મહત્વનો ફાળો રહ્યો છે. હાલમાં તે એસ.એ.જી. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, જફર મેદાન, જૂનાગઢ ખાતે ડો. મનીષભાઈ જીલડીયાના સક્ષમ માર્ગદર્શન અને સઘન તાલીમ હેઠળ પોતાની રમતગમતની પ્રતિભાને વધુ નિખારી રહી છે. તેમના શ્રેષ્ઠ માર્ગદર્શન હેઠળ તેણે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પોતાની એક આગવી અને અનોખી ઓળખ ઉભી કરી છે. વિદ્યાર્થીનીની આ નોંધપાત્ર અને ગૌરવવંતી સિદ્ધિ બદલ બહાઉદ્દીન સરકારી વિનયન કૉલેજના આચાર્યશ્રી ડો. જે. આર. વાંઝા સાહેબે શ્રદ્ધાને હાદિર્ક અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ આવી જ રીતે વધુ ઉચ્ચ સિદ્ધિઓ હાંસલ કરવા માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. આ ઉપરાંત, કોલેજના તમામ પ્રાધ્યાપકગણ, બિનશૈક્ષણિક કર્મચારીઓ તેમજ સમગ્ર સ્ટાફે શ્રદ્ધાને તેની આ વિશેષ સફળતા બદલ શુભકામનાઓ પાઠવી હતી અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. કાથડ શ્રદ્ધા કાંતિભાઈની આ સિદ્ધિ કોલેજના અન્ય વિદ્યાર્થીઓ માટે પણ એક મોટી પ્રેરણારૂપ બની છે. રમતગમત ક્ષેત્રે સતત પરિશ્રમ, શિસ્ત અને દ્રઢ આત્મવિશ્વાસ દ્વારા કેવી રીતે સફળતાના શિખરો સર કરી શકાય તેનું આ એક ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ પરિવારને સંપૂર્ણ આશા છે કે શ્રદ્ધા ભવિષ્યમાં પણ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે વધુને વધુ સિદ્ધિઓ હાંસલ કરીને કોલેજ, જૂનાગઢ શહેર અને ગુજરાત રાજ્યનું નામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પર રોશન કરતી રહેશે.