ચૂંટણીપંચે પશ્ચિમ બંગાળના ૭ વરિષ્ઠ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા : મમતા બેનર્જી સાથે નવી ટક્કર
(એજન્સી) કોલકતા, તા.૧૬
પશ્ચિમ બંગાળમાં ‘સર‘ની કામગીરીમાં રાજ્યની મમતા બેનર્જી સરકાર અને ચૂંટણીપંચ વચ્ચેની ટક્કર છેક સુપ્રિમ કોર્ટ સુધી પહોંચી છે તે વચ્ચે આજે ચૂંટણીપંચે ‘સર‘ કામગીરી સંબંધમાં રાજ્ય સરકારના ૭ અધિકારીઓને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કર્યા છે.
તેમની સામે શિસ્તભંગની કાર્યવાહી કરવા પણ રાજ્ય સરકારને આદેશ આપ્યો છે. ટૂંક સમયમાં પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને હવે આખરી મતદાન યાદી પ્રસિધ્ધ કરવાની કામગીરી અંતિમ તબકકામાં છે.
તે સમયે ચૂંટણી પંચે રાજ્યના મુખ્ય સચિવ નંદીની ચક્રવર્તીને એક આદેશમાં ક્લાસ-૧માં આવતા ૭ અધિકારીઓને કામગીરી ચૂંટણી પંચના આદેશ-પાલન નહીં કરવા અને અન્ય બાબતો મુદે સસ્પેન્ડ કરવા આદેશ આપતા પંચ અને મમતા સરકાર વચ્ચે નવા ટક્કરની શક્યતા છે.
એટલું જ નહીં આ અધિકારીઓની સામે શિસ્તભંગની કાર્યવાહી પણ થશે. આ ઉપરાંત ચૂંટણી પંચે રાજ્યમાં ત્રણ વર્ષથી એક જ સ્થળે ફરજ બજાવતા જિલ્લા કલેક્ટર અને એસપી સહિતના તમામ અધિકારીઓની તાત્કાલીક બદલી કરવા રાજ્ય સરકારને જણાવાયું છે.


