જૂનાગઢ તા. ૧૮
ગરવા ગિરનારની લીલી પરીક્રમા શરૂ થવાને આડે માત્ર હવે ગણતરીનાં કલાકો જ બાકી રહયા છે. ગિરનારજી મહારાજની ૩૬ કિલોમીટરની પરીક્રમાનું પુનિત ભાથુ બાંધવા માટે ભાવિકો, શ્રધ્ધાળુઓ તૈયારી કરી રહયા છે. ગિરનારની પરીક્રમાનાં ભાવિકોને કોઈપણ જાતની અગવડતા ન પડે તે માટેની પણ કાળજી લેવાઈ રહી છે અને અનેક વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે. ખાસ કરીને ગિરનારજી મહારાજની પ્રદક્ષિણા, પદયાત્રા કરતા ભાવિકોને માટે ખાસ પ્રસાદ ભોજન માટેની સુંદર વ્યવસ્થા ધાર્મિક સ્થળો, ઉતારા મંડળ તેમજ સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવા માટે ઠેર-ઠેર અન્નક્ષેત્રો શરૂ કરવામાં આવશે અને જે અંગેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભવનાથ તળેટી અને ગિરનાર ક્ષેત્રમાં ભાવિકોનો પ્રવાહ શરૂ થઈ ગયો છે.
ગિરનારની લીલી પરીક્રમા દર વર્ષે કારતક સુદ-૧૧ દેવદીવાળીનાં દિવસે મધ્યરાત્રીથી શરૂ થઈ કારતક સુદ-૧પ સુધી યોજાઈ છે. ગિરનાર પરીક્રમાનું અનેકગણું પુણ્ય મળે છે. મનુષ્યનાં પાપોનો નાશ થાય છે. ભાવિકોમાં અનેરૂ મહત્વ ધરાવતા પરીક્રમાનાં પાંચ દિવસનાં મેળામાં લાખો શ્રધ્ધાળુ ઉમટી પડે છે. શરૂઆતમાં ઘણા વર્ષો પહેલા પરીક્રમા શરૂ થઈ ત્યારે થોડા માણસોએ પરીક્રમાનો પ્રારંભ કર્યો હતો અને ત્યારપછી દર વર્ષે શ્રધ્ધાળુઓની સંખ્યામાં ઉત્તરોતર વધારો થતો ગયો અને આજે પરીક્રમામાં ભાવિકોની સંખ્યા લાખોમાં થાય છે. માળવેલા, જીણાબાવાની મઢી, નળપાણીની ઘોડી, સરકડીયા હનુમાનજી સહીતનાં સ્થળોએ પરીક્રમાર્થીનો પડાવ હોય છે. પરીક્રમાના ગેટ ખાતેથી પૂજનવિધી કરાયા બાદ પરીક્રમાનો પ્રારંભ થાય છે. પરીક્રમાર્થીઓની સુવિધા માટે તંત્ર દ્વારા અનેક પગલા ભરાઈ છે તો બીજીતરફ સેવાભાવીઓ દ્વારા પણ ચા-પાણી, નાસ્તાથી પ્રસાદ ભોજન સહીતની વ્યવસ્થાનાં ભાગરૂપે અન્નક્ષેત્રો શરૂ કરવામાં આવે છે અને કોઈપણ જાતના ભેદભાવ વિના નિ:સ્વાર્થ ભાવે સેવાભાવીઓ સેવા આપે છે. દિવસ દરમ્યાન પરીક્રમાર્થીઓ પદયાત્રા કરે છે. રાત્રીના પોત-પોતાનાં સંઘ સાથે ધાર્મિક જગ્યા, ઉતારાની જગ્યા, અન્નક્ષેત્રો કે પછી જંગલમાં જ પોતાના સંઘ સાથે રસોઈ બનાવી અને વનભોજન કરવામાં આવે છે. પરીક્રમા રૂટમાં ઠેર-ઠેર જંગલમાં મંગલ જેવા દ્રશ્યો સર્જાઈ છે. સંતવાણીની પણ રમઝટ બોલે છે. ચાલુ વર્ષે અપુરતા વરસાદને કારણે પાણીની તંગી રહેશે. ત્યારે સેવાભાવી સંસ્થાઓ, ધાર્મિક જગ્યાઓ અને તંત્ર દ્વારા પણ પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જૂનાગઢ જિલ્લા કલેકટર યોગેશ ચૌધરીનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દિવસો થયા જહેમત ઉઠાવી રહેલ છે. અને ચાલુ વર્ષે પીવાનાં પાણીનાં સંકટ વચ્ચે પણ ગિરનારની લીલી પરીક્રમા નિવિધ્ને યોજાઈ અને શાંતિપુર્ણ રીતે સંપન્ન કરવા માટે સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે. અને ગિરનારની પરીક્રમા શરૂ થવા આડે માત્ર ગણતરીનાં કલાકો બાકી રહયા છે તો બીજીતરફ ગિરનાર પરીક્રમામાં ભાગ લેવા માટે શ્રધ્ધાળુઓ, ભાવિકોમાં પણ ભારે ઉત્સાહ જાેવા મળે છે.