મેંદરડામાં દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી સહિત લોકપ્રતિનિધિઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા નાગરિકો તિરંગા યાત્રામાં જોડાયા

મેંદરડામાં દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

જૂનાગઢ, તા. 12
સ્વતંત્રતા પર્વની ઉજવણી અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિવિધ દેશભક્તિપૂર્ણ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં પણ રાષ્ટ્રભાવનાને વધુ મજબૂત બનાવવાના હેતુથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘સ્વતંત્રતા સપ્તાહ- ઘર ઘર તિરંગા અને હર ઘર સ્વચ્છતા અભિયાન’ અંતર્ગત યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો રાષ્ટ્રધ્વજ સાથે જોડાયા હતા.
મેંદરડાના આંબેડકર ચોકથી શરૂ થયેલી તિરંગા યાત્રા શહેરના વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. યાત્રા દરમિયાન સમગ્ર શહેરમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. હાથમાં તિરંગો લઈને જોડાયેલા વિદ્યાર્થીઓ અને નાગરિકોએ રાષ્ટ્રપ્રેમના ભાવ સાથે યાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
તિરંગા યાત્રા દરમિયાન સરદાર ચોક ખાતે પહોંચ્યા બાદ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ યાત્રા આગળ વધી અને શહીદ ભગતસિંહ ચોક ખાતે તેનું સમાપન કરવામાં આવ્યું હતું.
આ દેશભક્તિપૂર્ણ કાર્યક્રમમાં ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, જૂનાગઢ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હરેશભાઈ ઠુંમર, જિલ્લા પંચાયતના સભ્ય અસ્મિતાબેન ઠુંમર તેમજ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા સહિતના આગેવાનો અને લોકપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત વિવિધ વિભાગોના અધિકારીઓ, પદાધિકારીઓ, મેંદરડા તાલુકાની વિવિધ શાળાઓના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક નાગરિકોએ તિરંગા યાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રાષ્ટ્રધ્વજના સન્માન અને રાષ્ટ્રભાવનાને લોકો સુધી પહોંચાડવાના હેતુથી યોજાયેલી આ યાત્રાએ સમગ્ર મેંદરડામાં દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો.
સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ તિરંગા યાત્રા દ્વારા રાષ્ટ્રપ્રેમ, એકતા અને સ્વચ્છતા અંગેનો સંદેશ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો. વિશાળ સંખ્યામાં લોકોની ભાગીદારીને કારણે કાર્યક્રમ યાદગાર બની રહ્યો હતો.