મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે કસ્તુરબાધામ, ત્રંબા ખાતે ‘સ્વચ્છતા સેવા યોગદાન કાર્યક્રમ’ યોજાયો

સ્વચ્છતા પ્રત્યેક નાગરિકની સેવા યોગદાનની આદત અને સંસ્કાર બનવી જોઈએ : કલેક્ટર ડો. ઓમ પ્રકાશ

મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે કસ્તુરબાધામ, ત્રંબા ખાતે ‘સ્વચ્છતા સેવા યોગદાન કાર્યક્રમ’ યોજાયો

રાજકોટ તા.૩
રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે રાજકોટ જિલ્લા મહેસૂલ વિભાગ દ્વારા "સેવા સંકલ્પ અભિયાન" અંતર્ગત કસ્તુરબાધામ, ત્રંબા ખાતે શ્રી કસ્તુરબા આશ્રમ ટ્રસ્ટ સંચાલિત શ્રી વિનય મંદિર ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળા પરિસરમાં ‘સ્વચ્છતા સેવા યોગદાન કાર્યક્રમ’ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવશ્રીઓએ પૂજ્ય મહાત્મા ગાંધીજી તથા કસ્તુરબા ગાંધીના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરીને સ્વ. કનુભાઈ નારણદાસ ગાંધી તેમજ સ્વ. આભાબેન કનુભાઈ ગાંધીની સમાધિસ્થળે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે પૂજ્ય બાપુના અતિ પ્રિય ભજન ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ...’નું સામૂહિક ગાન કરવામાં આવ્યું હતું. 
આ પ્રસંગે કલેક્ટર ડો. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, પૂજ્ય બાપુ સ્વચ્છતાના પ્રખર હિમાયતી હતા અને તેઓ ‘જ્યાં સ્વચ્છતા, ત્યાં પ્રભુતા’ના મંત્રમાં દ્રઢ વિશ્વાસ ધરાવતા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને ‘વિકસિત રાષ્ટ્ર‘ બનાવવાનું આપણું લક્ષ્ય છે, ત્યારે ગંદકી વચ્ચે કોઈ પણ દેશ સાચા અર્થમાં વિકસિત ન બની શકે. જે માટે માત્ર સરકારી માળખાગત સુવિધાઓ કે એક દિવસની સફાઈ ઝુંબેશ પૂરતી નથી, પરંતુ સ્વચ્છતા પ્રત્યેક નાગરિકની આદત અને સંસ્કાર બનવી જોઈએ.  
આપણી કચેરી, ઘર અને જાહેર સ્થળોને સ્વચ્છ રાખવાની વ્યક્તિગત જવાબદારી આપણે સ્વીકારવી પડશે. આ તકે કલેકટરએ વિદ્યાર્થીઓને ધોરણ ૧૦ પછી પણ આગળ અભ્યાસ ચાલુ રાખવા અપીલ કરી જીવનમાં શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. શાળાનાં ટ્રસ્ટી મોહનભાઈ મકવાણાએ આ તકે શ્રી કસ્તુરબા આશ્રમ ટ્રસ્ટ સંચાલિત શ્રી વિનય મંદિર ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળા વિશે વિસ્તૃત જાણકારી આપી સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું હતું. ત્યારબાદ મહાનુભાવો, મહેસૂલ વિભાગના કર્મચારીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક શ્રમદાન કરી શાળા અને આશ્રમ પરિસરમાં વ્યાપક સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. આ સાથે ઉપસ્થિત સૌએ પોતાના દૈનિક જીવનમાં સ્વચ્છતા જાળવવા અને પર્યાવરણના જતન માટે કટિબદ્ધ રહેવાના સંકલ્પ લીધા હતા.