ગાંધીનગરના બહીયલમાં મોડી રાત્રે જુથ અથડામણ ગરબી દરમ્યાન પથ્થરમારો : આગચંપીની ઘટનાઓ
૬૦ લોકોની ધરપકડ : લોખંડી બંદોબસ્ત તૈનાત : સ્થિતિ તંગદીલીભરી પરંતુ નિયંત્રણ હેઠળ
(બ્યુરો) ગાંધીનગર તા.૨૫
ગાંધીનગરના બહિયલમાં ગત મોડીરાત્રે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થતા ભારે તંગદિલી સર્જાઈ હતી. હિંસક ટોળાએ ગામમાં ચાલી રહેલી ગરબીમાં પથ્થરમારો, દુકાનમાં તોડફોડ અને આગચંપી કરતા ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. બે જૂથ વચ્ચેની અથડામણ સોશિયલ મીડિયા પર સ્ટેટસ મૂકવા જેવી બાબતે થઈ હોવાની ચર્ચા છે.
સ્થિતિ વધુ ન વણસે તે માટે હાલ બહીયલમાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે અને પેટ્રોલીંગ હાથ ધરાયું છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ પર પણ હુમલો કરાયો હતો. જેમાં પોલીસના બે વાહનોને નુકસાન પહોંચ્યું હતું. સમગ્ર મામલે પોલીસે ૬૦ શખસોને રાઉન્ડઅપ કર્યા છે તથા જીઇઁની બે કંપની ઉપરાંત ૨૦૦થી વધુ પોલીસનો કાફલો તહેનાત કરાયો છે. હાલ ગામમાં કોમ્બિંગ ચાલુ છે અને સ્થિતિ કાબૂમાં છે.
દહેગામ તાલુકાના બહિયલ ગામમાં ત્રીજા નોરતાની રાત્રે ગરબા ચાલી રહ્યા હતા તો બીજી તરફ બે જૂથ વચ્ચે સામાન્ય બાબતે થયેલો ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. ટોળા દ્વારા ગરબામાં પથ્થરમારો કરાતા નાસભાગ મચી હતી. તો બીજી તરફ ટોળા દ્વારા ગામની એક દુકાનમાં શટર તોડી આગચાંપી દેવામાં આવી હતી. બહિયલ ગામમાં જૂથ અથડામણના સમાચાર મળતા ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં પોલીસના બે વાહનોને નુકસાન પહોંચ્યું હતું.
આ ઘટના બાદ સમગ્ર ગામમાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે અને હાલમાં ગામમાં શાંતિ જળવાઈ રહે તેવા પગલાં લેવાઈ રહ્યા છે. આ હિંસક ઘટનામાં જાનહાનિની કોઈ ઘટના હાલના તબક્કે સામે આવી નથી, પરંતુ વાતાવરણ તંગ છે.


