વિકી કૌશલનો સાથ કેટરિના માટે બન્યો મજબૂત આધાર

કેટરિનાએ પતિને ગણાવ્યા પોતાની અશાંતિમાં શાંતિ લાવનાર જીવનસાથી; માતૃત્વ, અભિનય અને બિઝનેસની જવાબદારીઓ વચ્ચે વિકીનો સહયોગ મહત્ત્વનો

વિકી કૌશલનો સાથ કેટરિના માટે બન્યો મજબૂત આધાર

મુંબઈ તા.18
બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફે તાજેતરમાં પોતાના વ્યવસાય, અભિનય કારકિર્દી, લગ્નજીવન અને માતૃત્વ વચ્ચે સંતુલન જાળવવાના પડકારો અંગે વાત કરી હતી. આ દરમિયાન તેણે પતિ વિકી કૌશલના સહયોગ અને સમજણનાં પણ વખાણ કર્યા હતા. કેટરિના પોતાની બ્યૂટી બ્રાન્ડ ‘કે બ્યૂટી’નું સંચાલન કરવાની સાથે અભિનય ક્ષેત્રે પણ સક્રિય છે. આવી સ્થિતિમાં કામ અને પરિવારની જવાબદારીઓ વચ્ચે સંતુલન જાળવવામાં વિકીનો સાથ તેના માટે મહત્ત્વપૂર્ણ બની રહ્યો છે. કેટરિનાએ વિકી માટે લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “તે મારી અશાંતિમાં શાંતિ સમાન છે.”
કેટરિના તાજેતરમાં એક જાહેર કાર્યક્રમમાં હાજર રહી હતી, જ્યાં તેણે વર્ષ 2019માં ભારતમાં શરૂ કરેલી પોતાની બ્યૂટી બ્રાન્ડ ‘કે બ્યૂટી’ના વિકાસ અને વિસ્તરણ અંગે વાત કરી હતી. બ્રાન્ડને સફળતાના આ મુકામ સુધી પહોંચાડવા માટે કેટલો સમય અને મહેનત આપવી પડે છે તે અંગે તેણે જણાવ્યું હતું કે, આ વ્યવસાયને સંભાળવા માટે કલાકો ગણવા શક્ય નથી. જોકે, તેના કામના કલાકોનો હિસાબ રાખનાર એક વ્યક્તિ તેના પતિ વિકી કૌશલ છે. વિકી તેને વારંવાર ફોન મૂકી દેવા અને કામમાંથી થોડો સમય કાઢવાની સલાહ આપતા રહે છે.
કેટરિનાએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે કોઈ કામ પ્રત્યે ખૂબ જ જુસ્સો હોય ત્યારે સમયનું ભાન રહેતું નથી. ઘણીવાર રવિવારના દિવસે પણ કામ અંગે ચર્ચાઓ થતી રહે છે. બંને માતૃત્વના નવા તબક્કામાંથી પસાર થઈ રહ્યાં હોવા છતાં શનિવાર અને રવિવારે પણ કામની વાતો ચાલુ રહે છે.
અભિનેત્રી, ઉદ્યોગસાહસિક, પત્ની અને માતા તરીકેની વિવિધ જવાબદારીઓ વચ્ચે સંતુલન જાળવવા અંગે કેટરિનાએ વિકીના સહયોગને ખાસ મહત્ત્વ આપ્યું હતું. તેણે જણાવ્યું હતું કે તેના પતિ દરેક તબક્કે તેને ખૂબ સહકાર અને મદદ કરે છે. વિકી તેની અશાંતિમાં શાંતિ સમાન છે અને અત્યાર સુધીની જીવનસફર તેના માટે ખૂબ સુંદર રહી છે. કેટરિનાની આ વાતો પરથી સ્પષ્ટ થાય છે કે વ્યાવસાયિક વ્યસ્તતાઓ અને પારિવારિક જવાબદારીઓ વચ્ચે પતિનો સહયોગ તેના માટે કેટલો મહત્ત્વનો છે.