સુરત એરપોર્ટ પરથી હાઈબ્રીડ ગાંજાની હેરાફેરી પકડાઈ, મુંબઈના શખ્સને ભારે જથ્થા સાથે પકડી લેવાયો.
સુરત ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોઝિયાને બાતમી મળી હતી કે બેંગકોકથી સુરત આવી રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં એક શખ્સ ડ્રગ્સ લઈને આવી રહ્યો છે. તેના આધારે સુરત પોલીસે વોચ ગોઠવી મુંબઈના જાફરખાન ઉર્ફે જાફર મોબાઈલવાલાને ઝડપી લેવાયો હતો. શરૂઆતમાં જ્યારે તેની બેગ તપાસવામાં આવી ત્યારે એમાંથી 4 કિલો અને 35 ગ્રામ જેટલું 'હાઈડ્રો વીડ' (હાઈબ્રિડ ગાંજો) મળ્યો હતો, જેની કિંમત આશરે 1.41 કરોડ રૂપિયા હતી. પોલીસને લાગ્યું કે કામ પૂરું થઈ ગયું છે.
પરંતુ કોર્ટમાંથી આરોપીના રિમાન્ડ મંજૂર થયા બાદ ક્રાઈમ બ્રાન્ચની આકરી પૂછપરછ શરૂ થઈ. આ દરમિયાન પોલીસને ગુપ્ત રાહે વધુ એક સચોટ બાતમી મળી કે જાફરખાન પાસેથી જે બેગ પકડાઈ છે એમાં હજુ પણ ડ્રગ્સનો મોટો જથ્થો છુપાયેલો છે. આ સાંભળીને પોલીસ પણ અચંબામાં પડી ગઈ, કારણ કે બેગ તો પહેલેથી જ પોલીસના કબજામાં હતી અને ખાલી દેખાતી હતી.
આ અત્યંત ગંભીર અને ટેક્નિકલ મોડસ ઓપરેન્ડી અંગે માહિતી આપતાં સુરત ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોઝિયાએ જણાવ્યું હતું કે અમે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ રિમાન્ડ દરમિયાન તેની સઘન પૂછપરછ ચાલી રહી હતી. તેવામાં અમને એક સ્પેસિફિક ઇન્ફોર્મેશન મળી કે આરોપી ઝફર પાસે હજુ વધુ મુદ્દામાલ છે.
પોલીસે તપાસ શરૂ કરી અને બેગના તળિયાના પ્લાસ્ટિક અને ફાઈબરના લેયર્સ સ્ક્રૂ ખોલીને હટાવવામાં આવ્યા ત્યારે અંદરથી કાળા રંગના કાર્બન પેપરમાં વીંટાળેલા પેકેટો નીકળવા લાગ્યા. આરોપીએ બેગના તળિયે 'ફોલ્સ બોટમ' -બનાવટી તળિયું બનાવ્યું હતું અને ટાયરની વચ્ચે રહેલી જગ્યાનો ઉપયોગ કર્યો હતો.
આ બીજા તબક્કાની તપાસમાં એ જ બેગમાંથી વધુ 4 કિલો 852 ગ્રામ હાઈબ્રિડ ગાંજો મળ્યો, જેની કિંમત 1.69 કરોડ રૂપિયા થાય છે. આમ, સ્મગલરે પોલીસની નજર સામે જ અડધો માલ છુપાવી રાખ્યો હતો, જે રિમાન્ડ દરમિયાન પકડાયો.
સુરત ક્રાઈમ બ્રાન્ચની સતર્કતાને કારણે કુલ 8 કિલો 887 ગ્રામ હાઈબ્રિડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કુલ કિંમત 3 કરોડ 11 લાખ 7 હજાર 895 રૂપિયા આંકવામાં આવી છે.
આ ડ્રગ્સ ક્યાં જવાનું હતું એ અંગે ડીસીપી રોઝિયાએ જણાવ્યું હતું કે આ કેસના તાર તામિલનાડુના ચેન્નઈ અને મહારાષ્ટ્ર સુધી જોડાયેલા હોવાની માહિતી મળી છે. આ સાથે વધુ માહિતી મેળવવા માટે સુરત પોલીસે તપાસ હાથ ધરી છે.


