ગુજરાત ભાડા વિધેયકના વિરોધમાં આજથી રાજયભરમાં વકીલોની અચોક્કસ મુદ્દતની હડતાલ

ગુજરાત ભાડા વિધેયકના વિરોધમાં આજથી રાજયભરમાં વકીલોની અચોક્કસ મુદ્દતની હડતાલ

(બ્યુરો)          અમદાવાદ તા.૦૫
ગુજરાત ભાડા વિધેયકના વિરોધમાં રાજ્યના વકીલોએ આજથી અચોક્કસ મુદતની હડતાળ પર જવાનું એલાન કર્યું છે. રાજ્યના ૧૮૨ વકીલ મંડળોની આગેવાનીમાં કોર્ટ પરિસરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ગુજરાત ભાડા વિધેયકના વિરોધમાં સતત ત્રણ દિવસ વિરોધ પ્રદશિર્ત કરાયા બાદ પણ કોઈ ઉકેલ ન આવતા ગુજરાત બાર એસોસિએશન દ્વારા આજથી અચોક્કસ મુદતની હડતાળ પર જવાનું આહવાન કર્યું હતું.
ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા વકીલોને કોર્ટમાં ઉપસ્થિત ન રહેવા આહવાન કરવામાં આવ્યો છે. જેથી હાઇકોર્ટમાં વકીલોને એન્ટર થવાનો ગેટ બંધ કરવામાં આવ્યો છે. તેમજ બીજા ગેટ ઉપર ભીડ જોવા મળી છે. વકીલો કામથી અળગા રહેવાથી ચાલી રહેલા કેસોને પણ તેની અસર થશે. હાઇકોર્ટની એક પણ કોર્ટમાં ખાનગી વકીલો ઉપસ્થિત રહ્યા નથી.તમામ કોર્ટની આજની ઓન ડાયસ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને આજની મુદતો લંબાવવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝાએ કહ્યું કે, ગુજરાત હાઇકોર્ટ બાર એસોસિએશન દ્વારા બે દિવસ માટે કામકાજથી દૂર રહેવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. મારો વ્યક્તિગત મત એવો છે કે, આ કાયદો બિલ્ડરો અને ઉચ્ચ અધિકારીઓના લાભાર્થે લાવવામાં આવ્યો છે. નોર્થ કોરિયામાં પણ આવો કાયદો ન આવી શકે જેવો અહીં કર્યો છે.
નવા વિધેયક અનુસાર, ભાડા કરાર અને તેનાથી ઊભા થતા વિવાદોના ઉકેલ માટે સિવિલ કોર્ટ કે સ્મોલ કોઝ કોર્ટની જગ્યાએ વહીવટી તંત્રના અધિકારીઓ (જેમ કે નાયબ મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર કે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર) ર્નિણય લેશે.