‘ગોલમાલ’ ફ્રેન્ચાઇઝીમાં ફરી સંગીતનો ધમાકો, પાંચમા ભાગમાં ઉમેરાશે બે ગીત
ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં અજય દેવગણ, અક્ષય કુમાર સહિતની સ્ટારકાસ્ટ પર ગીતોનું શૂટિંગ થશે; ફિલ્મ જાન્યુઆરી 2027માં રિલીઝ થવાની શક્યતા
મુંબઈ તા.18
દિગ્દર્શક રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ ‘ગોલમાલ ફાઇવ’ને લઈને નવી માહિતી સામે આવી છે. ફિલ્મમાં છેલ્લી ઘડીએ વધુ બે ગીતો ઉમેરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ગીતોના શૂટિંગ માટે રોહિત શેટ્ટી મુંબઈમાં ફિલ્મની તમામ મુખ્ય કલાકાર મંડળીને એકત્ર કરી રહ્યા છે. ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં એક પછી એક એમ બંને ગીતોનું શૂટિંગ કરવામાં આવશે.
આ બંને ગીતોમાં અજય દેવગણ, અક્ષય કુમાર, અરશદ વારસી, શ્રેયસ તળપદે, કુણાલ ખેમુ, તુષાર કપૂર અને શર્મન જોશી જોવા મળશે. ‘ગોલમાલ’ ફ્રેન્ચાઇઝીની અગાઉની ફિલ્મોની જેમ આ વખતે પણ દર્શકોને મનોરંજનથી ભરપૂર અને ધમાલ મચાવતું ગીત જોવા મળશે. ખાસ વાત એ છે કે શર્મન જોશી પહેલી ‘ગોલમાલ’ ફિલ્મમાં કામ કર્યા બાદ લગભગ 21 વર્ષના અંતરે ફરી આ ફ્રેન્ચાઇઝીમાં પરત ફરી રહ્યો છે.
વર્ષ 2006માં ‘ગોલમાલ: ફન અનલિમિટેડ’થી શરૂ થયેલી આ ફ્રેન્ચાઇઝીએ અત્યાર સુધી દર્શકોનું મનોરંજન કર્યું છે. ત્યારબાદ વર્ષ 2008માં ‘ગોલમાલ રિટર્ન્સ’, 2010માં ‘ગોલમાલ 3’ અને 2017માં ‘ગોલમાલ અગેઇન’ રજૂ થઈ હતી. હવે આ શ્રેણીનો પાંચમો ભાગ ‘ગોલમાલ ફાઇવ’ જાન્યુઆરી 2027માં સિનેમાઘરોમાં રજૂ થવાનો છે.
દરમિયાન ફિલ્મના વિતરણ હકોને લઈને પણ બજારમાં રસપ્રદ હલચલ જોવા મળી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દેશભરમાં ફિલ્મના રિલીઝ રાઇટ્સ મેળવવા માટે અગ્રણી વિતરકો દ્વારા આશરે 100 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી છે. જોકે, રોહિત શેટ્ટી એવા વિતરકને હકો સોંપે તેવી શક્યતા છે, જે ઓછા કમિશન સાથે ફિલ્મને દેશભરમાં બહોળા પ્રમાણમાં રજૂ કરવાની ખાતરી આપે. હવે ફિલ્મનાં બે નવાં ગીતો અને સ્ટારકાસ્ટની મોજમસ્તી મોટા પડદા પર કેવો રંગ જમાવે છે તે જોવું રસપ્રદ રહેશે.


