ટ્રમ્પે ઈરાનના પ્રસ્તાવને ફગાવ્યો : યુધ્ધના વાદળો પુન: ઘેરાયા

ટ્રમ્પે ઈરાનના પ્રસ્તાવને ફગાવ્યો : યુધ્ધના વાદળો પુન: ઘેરાયા

વોશિંગ્ટન તા.11
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ઈરાન પર આકરા પ્રહારો કર્યા છે. પશ્ચિમ એશિયા અને અખાતી પ્રદેશમાં વધતા જતા સંકટને ઘટાડવા માટે વોશિંગ્ટન દ્વારા કરવામાં આવેલા શાંતિ પ્રસ્તાવ પર તેહરાન તરફથી મળેલા પ્રતિસાદને ટ્રમ્પે ‘તદ્દન અસ્વીકાર્ય‘ ગણાવ્યો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ‘ પર પોતાની નારાજગી વ્યક્ત કરતા લખ્યું કે, "મને આ જરા પણ પસંદ નથી, આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે!"
ઈરાનના સરકારી મીડિયાએ અગાઉ પુષ્ટિ કરી હતી કે તેહરાને પાકિસ્તાની મધ્યસ્થી દ્વારા અમેરિકાને પોતાનો સત્તાવાર જવાબ મોકલી આપ્યો છે. ઈરાની ન્યૂઝ એજન્સી ઈરના (IRNA)ના જણાવ્યા અનુસાર, ઈરાને અમેરિકા દ્વારા યુદ્ધ સમાપ્ત કરવા માટે રજૂ કરવામાં આવેલા નવીનતમ ટેક્સ્ટ પર લાંબી સમીક્ષા બાદ પોતાનો પ્રતિસાદ મોકલ્યો છે. જોકે, ઈરાને આ શાંતિ પ્રસ્તાવના બદલામાં અત્યંત કઠોર શરતો મૂકી હોવાનું સામે આવ્યું છે. ઈરાને માંગ કરી છે કે અમેરિકા તેના પર લાદવામાં આવેલા તમામ આર્થિક પ્રતિબંધો હટાવે, ઈરાની બંદરો પરના નિયંત્રણો દૂર કરે, પ્રદેશમાંથી અમેરિકી દળો પાછા ખેંચે અને તમામ પ્રકારની દુશ્મનાવટ બંધ કરે. આ ઉપરાંત ઈરાને લેબનોનમાં ઈઝરાયેલના સૈન્ય અભિયાનને રોકવાની પણ શરત મૂકી છે.
બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પે એક મુલાકાતમાં ઈરાનને કડક ચેતવણી આપતા જણાવ્યું હતું કે અમેરિકા ઈરાનના સંવધિર્ત યુરેનિયમ ભંડાર પર અત્યંત નજીકથી નજર રાખી રહ્યું છે. જો પરમાણુ મથકો સુધી પહોંચવાનો જરા પણ પ્રયાસ થશે તો તાત્કાલિક સૈન્ય કાર્યવાહી કરવામાં આવશે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાનની સંરક્ષણ વ્યવસ્થા પહેલેથી જ નબળી પડી ગઈ છે અને તેની પાસે હવે નૌકાદળ, વાયુસેના કે એન્ટી-એરક્રાફ્ટ હથિયારો બચ્યા નથી.