પહેલીવાર એલિયન સામે લડતો જોવા મળશે અક્ષય કુમાર

‘સમુક’ના મોશન પોસ્ટરમાં અક્ષયનો મિલિટરી અવતાર જોવા મળ્યો; વિપુલ અમૃતલાલ શાહની સાયન્સ ફિક્શન એક્શન થ્રિલર 28 મે, 2027ના રોજ થશે રિલીઝ

પહેલીવાર એલિયન સામે લડતો જોવા મળશે અક્ષય કુમાર

મુંબઈ તા.18
બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર હવે પહેલીવાર સાયન્સ ફિક્શનની દુનિયામાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. ફિલ્મ નિર્માતા વિપુલ અમૃતલાલ શાહ સાથેની તેમની આગામી ફિલ્મ ‘સમુક’નું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં ફિલ્મની એલિયન આધારિત કહાનીની પ્રથમ ઝલક જોવા મળી છે. સાથે જ ફિલ્મની રિલીઝ તારીખ પણ જાહેર કરવામાં આવી છે. આ સાયન્સ ફિક્શન એક્શન થ્રિલર 28 મે, 2027ના રોજ દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
ફિલ્મના મોશન પોસ્ટરમાં અક્ષય કુમાર લશ્કરી અંદાજના રફ લૂકમાં જોવા મળે છે. તેમના હાથમાં રાઇફલ છે, જ્યારે સામે કોઈ અજાણી પરગ્રહવાસી શક્તિના વિશાળ હાથની ભયાનક આકૃતિ દેખાય છે. પોસ્ટરની સાથે ‘ધ મિશન ઇઝ હ્યુમન બટ ધ એનિમી ઇઝન્ટ’ ટેગલાઇન પણ રજૂ કરવામાં આવી છે. આ ટેગલાઇન પરથી સંકેત મળે છે કે ફિલ્મમાં માનવજાતનો સામનો એક અજાણી પરગ્રહવાસી શક્તિ સાથે થવાનો છે. ફિલ્મની કહાનીમાં માનવ અસ્તિત્વ અને પોતાનું અસ્તિત્વ બચાવવા માટેના સંઘર્ષને મુખ્ય રીતે રજૂ કરવામાં આવશે.
જોકે, ફિલ્મના મોશન પોસ્ટર સાથે તેની કાસ્ટ, પાત્રો કે વાર્તા અંગે વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી. આગામી દિવસોમાં ફિલ્મને લગતી અન્ય માહિતી સામે આવે તેવી શક્યતા છે. ‘સમુક’ દ્વારા અક્ષય કુમાર અને વિપુલ અમૃતલાલ શાહ ફરી એકવાર સાથે કામ કરી રહ્યા છે. આ અગાઉ બંનેએ ‘આંખેં’, ‘વક્ત: ધ રેસ અગેઇન્સ્ટ ટાઇમ’, ‘નમસ્તે લંડન’, ‘સિંહ ઇઝ કિંગ’ અને ‘એક્શન રિપ્લે’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. કોમેડી, ડ્રામા, રોમાન્સ અને એક્શન જેવી અલગ-અલગ શૈલીઓમાં કામ કર્યા બાદ હવે આ જોડી સાયન્સ ફિક્શન જોનરમાં નવી શરૂઆત કરવા જઈ રહી છે.