લંડનમાં ગાંધીજીની પ્રતિમાની તોડફોડ
પ્રતિમાની નીચે “ગાંધી-મોદી હિન્દુસ્તાની ટેરરીસ્ટ” લખ્યું : ભારતીય હાઈકમીશને ઘટનાને શરમજનક ગણાવી
(એજન્સી) લંડન, તા.૩૦:
મહાત્મા ગાંધીની જન્મજયંતિ પહેલા બ્રિટનની રાજધાની લંડનમાં એક શરમજનક ઘટના બની છે. લંડનના ટેવિસ્ટોક સ્ક્વેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટના ગાંધી જયંતિની ઉજવણીના થોડા દિવસો પહેલા બની હતી. ભારતીય હાઈ કમિશને સોમવારે લંડનના ટેવિસ્ટોક સ્ક્વેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડફોડ કરવાની ઘટનાની સખત નિંદા કરી હતી. ભારતીય હાઈ કમિશને સુરક્ષા એજન્સીઓને આ ઘટના અંગે જાણ કરી હતી. પ્રતિમાના ચબુતરા પર કેટલાક વિચલિત કરતા ભીંતચિત્રો પણ મળી આવ્યા હતા. જેમાં પ્રતિમાની નીચે ગાંધી-મોદી હિન્દુસ્તાની ટેરરીસ્ટ લખવામાં આવ્યું હતું. લંડન પોલીસ ઘટના અંગે માહિતી એકત્રિત કરી રહી છે. ૨ ઓક્ટોબરના રોજ આ સ્થાન પર ર્વાષિક ગાંધી જયંતિની ઉજવણી યોજાવાની છે.
લંડન પોલીસ આ ઘટનામાં સામેલ વ્યક્તિઓ વિશે માહિતી એકત્રિત કરી રહી છે. લંડનમાં ભારતીય હાઈ કમિશને સોશિયલ મીડિયા પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘લંડનમાં ભારતીય હાઈ કમિશન ટેવિસ્ટોક સ્ક્વેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડફોડ કરવાથી ખૂબ જ દુ:ખી છે અને તેની સખત નિંદા કરે છે.‘ મિશનએ જણાવ્યું હતું કે, ‘આ ફક્ત તોડફોડની ઘટના નથી, પરંતુ અહિંસાના વિચાર અને મહાત્મા ગાંધીના વારસા પર હિંસક હુમલો છે.


