માંગરોળ નગરપાલિકા દ્વારા જર્જરિત મકાનો, ઈમારતો ઉતારવાની કવાયત હાથ ધરી
(નિલેશ રાજપરા દ્વારા)
માંગરોળ તા.૧૦
માંગરોળ નગરપાલિકાએ શહેરમાં જર્જરિત મકાનો, ઈમારતો ઉતારવા યુધ્ધના ધોરણે કવાયત હાથ ધરી છે. છેલ્લા બે દિવસ દરમ્યાન ૨૧ જેટલા જુનવાણી બાંધકામોનો જાેખમી ભાગ ઉતારી લેવા કામગીરી કરવામાં આવી છે. તો બીજી તરફ પાલિકા દ્વારા અણધડ રીતે નોટીસો આપવામાં આવી રહ્યાના આક્ષેપો વચ્ચે વર્ષો જુના ભાડુઆતોને મિલકતનો કબ્જાે ગુમાવવાનો ભય સતાવી રહ્યો છે. પાંચ દિવસ પહેલા ચા બજાર વિસ્તારમાં મકાન ધરાશાયી થતાં બે નિર્દોષ લોકોએ જીવ ગુમાવતા લોકોમાં પ્રસરેલા રોષ બાદ ન.પા. તંત્ર ઉંધા માથે થયું છે. ઘટના બાદ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં જુની અને જર્જરિત ઈમારતો, મકાનો સંબંધે તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ શેઠ ફળીયા, ચીકલી ચોક, ધોબી વાડા, બહાર કોટ, ધ્રુવ ફળીયા, કાપડ બજાર, સૈયદ વાડા, ચા બજાર, મિનારા મસ્જીદ, કાજીવાડા, લાલજી મંદીર, વાણીયાવાડ, એમ.જી, રોડ, ચંપા ફળીયા સહિતના વિસ્તારોમાં આવેલા જુનવાણી મકાનોનો જાેખમી એવો કેટલોક ભાગ તો અમુક બાંધકામો સંપૂર્ણ ઉતારી લેવામાં આવ્યા છે. જેસીબી, ટ્રેકટરોની મદદથી કાટમાળ દુર કરાઈ રહ્યો છે. તંત્રના જણાવ્યા મુજબ છેલ્લા પાંચેક દિવસ દરમ્યાન વધુ ૩૦ થી ૪૦ જેટલા જર્જરિત મકાનો ઉતારી લેવા નોટીસ આપવામાં આવી છે. લોકોના જાન, માલની નુકશાની સર્જે તેવા બાંધકામો, જર્જરિત દિવાલો દુર કરવાની કામગીરીની લોકોમાં પ્રશંસા થઈ રહી છે. તો બીજી બાજુ વર્ષોથી જે તે મિલ્કત પર કબ્જાે ધરાવતા ભાડુઆતોમાં ભય પેઠો છે. ક્યાંક તદ્દન જર્જરિત ન હોવા છતાં નોટીસો આપવામાં આવી રહી હોવાના આક્ષેપો ઉઠ્યા છે. તંત્ર નોટીસ આપી ડીમોલિશન કરશે તેવી ભીતિથી લાંબા સમયથી મકાનનો કબ્જાે ધરાવતા લોકોના જીવ ઉંચક થયા છે. ત્યારે જર્જરિત મકાન, ઈમારતનું આયુષ્ય નક્કી કરી શકે અને ખરેખર તે જાેખમી છે કે કેમ ? તે સરકાર માન્ય એન્જીનિયર નક્કી કરે ત્યારબાદ જ જે તે મકાન, બાંધકામને ઉતારવા કામગીરી હાથ ધરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.


