જૂનાગઢ શહેર કોંગ્રેસમાં આંતરીક મતભેદ પરાકાષ્ઠાએ કાર્યકરને ફીનાઈલ પીવાનો વખત આવ્યો !
શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જાેશી વિરૂધ્ધ ગંભીર આક્ષેપો કર્યા
જૂનાગઢ તા. ૧૦
જૂનાગઢ શહેરમાં કોંગ્રેસ પક્ષમાં આંતરીક મતભેદો અને જુથવાદ પરાકાષ્ટાએ પહોંચી ગયો હોવાની ચર્ચાઓ અને આક્ષેપો સતત થઈ રહયા છે. આ દરમ્યાન ગઈકાલે એક મહત્વનો બનાવ બન્યો હતો જેમાં વોર્ડ નં. ૧પ આંબેડકરનગરનાં રહેવાસી અને કોંગ્રેસનાં કાર્યકર દિપક મકવાણાએ કોંગ્રેસ ભવન ખાતે સૌરાષ્ટ્રનાં પ્રભારીની હાજરીમાં ફીનાઈલ પી જતાં આપઘાતનો પ્રયાસ કરવાના બનાવનાં પગલે ભારે ચકચાર જાગી ઉઠી છે. દિપક મકવાણાને તાત્કાલીક સારવાર માટે હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર જૂનાગઢ શહેર-જિલ્લા કોંગ્રેસ ભવનમાં ગઈકાલે બપોર બાદ એક સનસનાટીભરી ઘટના બની હતી. સૌરાષ્ટ્ર ઝોનના નવા પ્રભારી અને છત્તીસગઢના ધારાસભ્ય દેવેન્દ્રસિંહ યાદવ શહેર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક કરી રહ્યા હતા. આ દરમ્યાન વોર્ડ નંબર ૧૫ના કોંગ્રેસના પૂર્વ વોર્ડ પ્રમુખ અને કાર્યકર દીપક મકવાણાએ અચાનક પોતાના થેલામાંથી ફિનાઇલની બોટલ કાઢી અને પી લઇને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાના પગલે સમગ્ર કોંગ્રેસ ભવનમાં ચકચાર મચી ગઈ હતી અને હાજર સૌરાષ્ટ્ર પ્રભારી સહિતના આગેવાનો દોડતા થઈ ગયા હતા.
ફિનાઇલ ગટગટાવ્યા બાદ તાત્કાલિક સારવાર માટે કોંગ્રેસના નેતાઓ દ્વારા તેમને પોતાની ગાડીમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ખસેડાયેલા દીપક મકવાણાએ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, તેઓ છેલ્લા ૧૨ વર્ષથી કોંગ્રેસ પક્ષ સાથે જાેડાયેલા છે, પરંતુ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જાેશી અને તેમના પિતા પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જાેશી દ્વારા કોંગ્રેસમાં જ્ઞાતિવાદ ચલાવવામાં આવે છે. તેમણે ૨૦૧૯ અને ૨૦૨૨ની મહાપાલિકાની ચૂંટણીમાં ટિકિટની માગણી કરી હોવા છતાં તેમને ટિકિટ આપવામાં આવી નહોતી. આ અન્યાય અને શોષણથી કંટાળીને તેમણે આત્મહત્યાનો પ્રયાસ કરીને જીવન ટૂંકાવી લેવાનો ર્નિણય લીધો હોવાનું જણાવ્યું હતું.
દરમ્યાન આ સમગ્ર મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જાેશીએ જણાવ્યું હતું કે ઘટના બન્યા બાદ તેઓએ જ દીપક મકવાણાને તુરંત પોતાની ગાડીમાં હોસ્પિટલ પહોંચાડ્યા હતા. આપઘાતના પ્રયાસના મુદ્દે તેમણે કહ્યું કે, દીપક મકવાણા ૨૦૧૯ ની ચૂંટણી વખતે ભાજપમાં જાેડાયા હતા. આજે જ્યારે સૌરાષ્ટ્રના નવા પ્રભારી દેવેન્દ્ર યાદવ કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા, ત્યારે દીપક મકવાણા પણ ત્યાં આવ્યા હતા અને ગત મનપા ચૂંટણીમાં ટિકિટની ફાળવણી બાબતે ચર્ચા કરી અચાનક ફિનાઇલની બોટલ કાઢી હતી.
મનોજ જાેશીએ સવાલ ઉઠાવ્યો હતો કે, "તેમના વોર્ડમાં અનામત સીટ અને મતદારોની સંખ્યાના આધારે અન્ય ઉમેદવારને ટિકિટ આપવામાં આવી હતી. ટિકિટની ફાળવણીના ર્નિણયો પ્રદેશ કક્ષાએથી થતા હોય છે. જાે તેમને ટિકિટ નહોતી મળી તો ત્યારે કશું ના બોલ્યા અને આજે છેક બે વર્ષ પછી આ મુદ્દો ઉછાળ્યો તે અયોગ્ય છે તેમ જણાવ્યું હતું.
દરમ્યાન ફિનાઇલ પીનાર કોંગ્રેસ કાર્યકર દીપક મકવાણાનું પોલીસ અને મામલતદાર દ્વારા તેમનું નિવેદન લેવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. રાજકીય પક્ષના કાર્યાલયમાં આ પ્રકારે આપઘાતનો પ્રયાસ થતાં સમગ્ર શહેરમાં આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે.


