જૂનાગઢમાં વિદ્યાર્થીને માર મારવાનો બનાવ વાલી, શિક્ષણ જગત માટે લાલબત્તી : હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતાં વિદ્યાર્થીની સલામતી કેટલી ?
પોતાનું બાળક અભ્યાસ કરી આગળ વધે તેવી અપેક્ષાએ વિદ્યાર્થીને હોસ્ટેલમાં ભણવા મુકતા પહેલા સલામતી અંગે વિચારવાનો સમય આવી ગયો છે : વાલીઓ જાગૃત બને
જૂનાગઢ તા. ૪
જૂનાગઢ શહેરમાં મધુરમ વિસ્તારની એક હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીને તેની સાથે જ રૂમમાં રહેતા અન્ય ચાર વિદ્યાર્થીઓએ સામાન્ય બાબતમાં ઢોર માર મારવાનો બનાવ બહાર આવતાં ભારે ચકચાર જાગી ઉઠી છે. હોસ્ટેલનાં વિદ્યાર્થી સાથે ઘટેલી આ ઘટનાનાં પગલે હોસ્ટલમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીની સલામતી કેટલી ? તેવો પણ સવાલ ઉઠવા પામ્યો છે.
જૂનાગઢની આલ્ફા ઈન્ટરનેશનલ હોસ્ટેલ કે જે એક વર્ષ યા ભાડે આપેલી છે એવી આ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થી ઉપર અન્ય ચાર રૂમ પાર્ટનરોએ હુમલો કરી ઢોર માર મારવામાં આવ્યો અને એક માસ પહેલા બનેલી આ ઘટનાનો વિડીયો બે દિવસ પહેલા વાયરલ થતાં આખો બનાવ પ્રકાશમાં આવ્યો છે. હોસ્ટેલનાં સંચાલક દ્વારા કોઈ કારણસર આ બનાવને ડામી દીધો હતો. પરંતુ આખરે એક માસ બાદ આ મારામારીનો વિડીયો વાયરલ થતાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. ભોગ બનનાર વિદ્યાર્થીના વાલી દ્વારા ફરીયાદ પણ આપી છે અને આ બાબતે આગળની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. આ સાથે જ હોસ્ટેલમા રહેતા વિદ્યાર્થીઓની સલામતી કેટલી તે સવાલ આજે ઉઠવા પામ્યો છે. પોતાનું બાળક અભ્યાસ કરી અને જીવનમાં કંઈક આગળ વધે તેવા આશયથી વાલીઓ પોતાનાં બાળકને શહેરોમાં ભણવા મોકલે છે. પેટે પાટા બાંધીને પણ પોતાનાં પુત્ર-પુત્રીને પોતાનાં ગામથી દૂર એટલે કે મોટા શહેરની સારામાં સારી સ્કુલ-કોલેજમાં ભણવા મોકલે છે અને વિદ્યાર્થીને શહેરથી પોતાનું ગામ દૂર થતું હોય તેમજ રોજ અવર-જવર ન કરવી પડે તે માટે જૂનાગઢ સહીત સૌરાષ્ટ્ર-ગુજરાતનાં જુદા જુદા શહેરોમાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ માટે મુકેલા પુત્ર-પુત્રીને સંબંધીત શહેરમાં આવેલી હોસ્ટેલમાં અથવા તો પીજીમાં રાખવામાં આવે છે અને વાલીઓ મોઘો ખર્ચ ઉઠાવી ખાનગી હોસ્ટેલમાં રહેવાની વ્યવસ્થા કરી અને ધરપત અનુભવે છે કે પોતાનું બાળક હવે સારી રીતે ભણી શકશે પરંતુ તે આશાઓ ઉપર કેટલાક બનાવો પાણી ફેરવી દે છે.
કોલેજાેમાં દાખલ થતાં વિદ્યાર્થીઓને સીનીયર વિદ્યાર્થીઓ દ્વારા રેગીંગ પણ કરવામાં આવતું હોવાનાં સંખ્યાબંધ દાખલા ભૂતકાળમાં નોંધાયેલા છે પરંતુ તેમાં કડક નિયંત્રણ આવી જતાં હવે રેગીંગનું પ્રમાણ ઘટી ગયું છે. પરંતુ તેમ છતાં રેગીંગ થાય જ છે એ પણ હકીકત છે. તાજેતરમાં અમદાવાદની એક સ્કુલમાં વિદ્યાર્થીને ચપ્પુ મારવાનાં બનાવે ભારે હોબાળો જગાવ્યો છે અને તેનો વિરોધ પ્રદર્શીત થઈ રહયો છે. આ ઘટનાએ વાલીઓને વિચારતા કરી દીધા છે તેવામાં જ જૂનાગઢની હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવાનાં બનાવને પગલે હોબાળો ઉઠયો છે. આ બનાવ વાલીઓ માટે પણ લાલબત્તી સમાન છે. આ બનાવ ઉપરથી ઘડો લઈ અને વાલીઓ પોતાનાં પુત્ર-પુત્રીને હોસ્ટેલમાં મુકતા પહેલા સોવાર વિચારવું પડે તેવો સવાલ આવી ગયો છે કે હોસ્ટેલમાં પોતાનું બાળક સલામત છે અને હોસ્ટેલ સંચાલકો દ્વારા સલામતીની કેવી વ્યવસ્થા છે તે પણ ચકાસવું પડશે અને વાલીઓએ જાગૃતી દાખવવી પડશે તે પણ એટલું જ સત્ય છે.
જૂનાગઢ શહેરનાં વાલીઓએ પણ ધ્યાન રાખવું પડશે કે તેમનું બાળક સ્કુલે જાય અને ઘરે આવે એટલું પુરતુ નથી પરંતુ તેમનાં મિત્ર વર્તુળની સંગત કેવી છે તે બાબતે પણ વિચાર કરવો એટલો જ જરૂરી છે. હાલમાં એક સ્કુલ પાસે રીશેષનાં સમયે હાઈસ્કુલમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી બહાર આરામથી સીગારેટ પીતો હોવાનું જાેવા મળ્યું હતું. તેમજ તમારા બાળકો ટયુશન કલાસીસમાં જાય ત્યારે પણ નજર કરવી જરૂરી છે. કારણ કે ટયુશન કલાસીસની આસપાસ ઘણા ભમરા (રોમીયોગીરી કરતા તત્વો)ઓ આટા મારતા હોય છે આ બાબતે વાલી તેમજ ટયુશન સંચાલકોની એટલી જ જવાબદારી વધી જાય છે. સ્કુલ તેમજ ટયુશન કલાસીસ આસપાસ સીસી ટીવી કેમરા લગભગ ઘણી જગ્યાએ ગોઠવવામાં આવેલ છે તો આ સીસી ટીવી કેમરા ચેક કરવાની કોની જવાબદારી બને છે ? જાે આ અંગે ચોકસાઈ રાખવામાં આવે તો ઘણા એવા કિસ્સા બને છે તે અટકી જાય તેમ છે.


