ભારતમાં પણ નેપાળ જેવું થઈ શકે : સંજય રાઉતની પોષ્ટથી વિવાદ : પોલીસ ફરિયાદ
(એજન્સી) મુંબઈ,તા.૧૨
શિવસેના (શિંદે)ના ઉપનેતા અને પ્રવક્તા સંજય નિરુપમે શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતને નેપાળ હિંસા સંબંધિત તેમના નિવેદન બદલ માફી માગવાની માગ કરી હતી. તેમણે ચેતવણી આપી હતી કે, જો રાઉત પોતાનું નિવેદન પાછું નહીં ખેંચે અને ૨૪ કલાકની અંદર માફી નહીં માગે તો અમે તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાવીશું. ૨૪ કલાકનો સમય વીતી ગયા બાદ, સંજય નિરુપમે હવે મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને સંજય રાઉત સામે કડક કાર્યવાહીની માગ કરી છે. તેમણે મુંબઈ પોલીસને આપેલી ફરિયાદમાં કહ્યું છે કે કોઈપણ દેશમાં હિંસા ભડકાવવી એ ગુનો છે. નિરુપમે એમ પણ કહ્યું છે કે, જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે સાયબર સેલમાં પણ ફરિયાદ નોંધાવીશું. સંજય નિરુપમે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે નેપાળમાં તાજેતરમાં ફાટી નીકળેલી હિંસાએ ત્યાંના રાજકારણમાં ઘણી ઉથલપાથલ મચાવી છે.


